ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 10 : દિલ્હીના ભરચક વિસ્તારમાં હોસ્ટેલ
ચાલતી હતી એ 50 વર્ષ જૂની ઇમારત અચાનક ધ્વસ્ત
થતાં પાંચ મોત થયાના સમાચારે કચ્છ માટે ચિંતા જગાવી છે. ખાસ કરીને સિસ્મિક ઝોન પાંચમાં
આવતાં કચ્છના ભુજ શહેરમાં 2001ના ધરતીકંપ
વખતે જર્જરિત થયેલી જોખમી ઇમારતો ગમે ત્યારે પડી શકે તેમ છે અને ક્યાંક નિર્દોષ નાગરિકોના
ભોગ લેવાઇ શકે છે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં વખતોવખત મોટા ભૂકંપ કચ્છમાં
આવી ચૂક્યા છે ને 2001ના ધરતીકંપે
તો મોટી તબાહી મચાવી હતી. કેમ કે 25 વર્ષ પહેલાં 13 હજારથી વધુ લોકોનો મોત થઇ ચૂક્યાં છે. આવી સ્થિતિમાં નબળાં બાંધકામવાળાં
મકાનો કે બિલ્ડિંગ સ્વાભાવિકે જોખમી સાબિત થઇ શકે છે. - શબક લેવો જોઇએ : રવિવારે દિલ્હમાં ઇમારત ધ્વસ્ત થવાના બનાવને
પગલે સમગ્ર દેશના શહેરોમાં વહીવટી તંત્ર ચોંકી ઊઠયાં છે. કેમ કે આ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓનું
બોર્ડિંગ ચાલતું હતું. પાંચ છાત્રોનો ભોગ લેવાયો તો અનેક જણ ઘાયલ પણ થયા છે ત્યારે
ભુજ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. - કચ્છમાં ભૂકંપના આંચકા : 2001માં આવેલા મોટા ભૂકંપ બાદ પણ છેલ્લા 25 વર્ષથી સતત ભૂકંપના આંચકા આવી
રહ્યા છે અને કચ્છ સિસ્મિક ઝોન પાંચમાં આવે છે ત્યારે કોઇ પણ બાંધકામ ભૂકંપ પ્રતિરોધક
હોવા જોઇએ. હજુ પણ ધરતીકંપ વખતનાં બિલ્ડિંગો ઊભાં છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે
ત્યારે કચ્છ યુનિવર્સિટીના જિયોલોજી વિભાગના પ્રાધ્યાપક ગૌરવ ચૌહાણે સ્પષ્ટ કહ્યું
કે બિલ્ડિંગરૂપી ભુજમાં મોટું જોખમ ઊભું છે. - પાંચનો આંચકો ન ઝીલે : પ્રા. શ્રી ચૌહાણે તો લાલબત્તી ધરતાં કહ્યું કે, શહેરમાં 10 એવાં બિલ્ડિંગ છે જે હવે પાંચની
તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવશે તો ઝીલી નહીં શકે. તેમણે શહેરમાં પ્રાથમિક અભ્યાસ કરી
લીધો છે અને કહ્યું કે ક્યાંક આ ઇમારતોમાં
રહેતા લોકો પાસે અન્ય વિકલ્પ નહીં હોવાથી રહેણાક ખાલી કરતા નથી, જે તાકીદે ખાલી કરવા જોઇએ. - 87 ઇમારત જોખમી : અત્યાર સુધી જે સર્વે થયા છે એ મુજબ ભુજમાં
87 બિલ્ડિંગ જોખમીની વ્યાખ્યામાં
આવે છે. ક્યાંક કોટ અંદરના વિસ્તારમાં, તો ભાનુશાલી નગર સહિતના શહેરના ગીચ વિસ્તારમાં પણ આવાં ધરતીકંપગ્રસ્ત ઊંચા
મકાનો ઊભાં છે. - માઇક્રો ઝોનેશન
: પ્રાધ્યાપક ગૌરવ ચૌહાણ અત્યંત ગંભીરતા દર્શાવતાં
કહે છે કે કચ્છ યુનિવર્સિટી પાસે તમામ ટેક્નોલોજી છે. ખરેખર જિયોલોજિસ્ટ, સ્ટ્રક્ચરલ ઇજનેર, સિવિલ
ઇજનેરની ટીમને સાથે રાખી જર્જરિત બિલ્ડિંગોનો સર્વે અને માઇક્રો ઝોનેશન કરવા જોઇએ.
કારણ કે ભુજની સ્થિતિ ખરાબ છે અને ભવિષ્ય માટે આ બિલ્ડિંગ ખતરાની ઘંટડી સમાજ છે. આ
માટે સાઇટ રિસ્પોન્સ સ્ટડી થવું જોઇએ. કારણ કે દર ચોમાસામાં પાણી બાંધકામમાંથી ટપકે
છે જેનાથી તળિયાં પણ સડી ગયા છે, તેથી વહીવટી તંત્રે નિર્ણય લેવો
જોઇએ તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો - ગંભીર બનાવો બન્યા : 2017માં ભુજ શહેરમાં
ભાનુશાલી નગરમાં આવેલા કર્મભૂમિ એપાર્ટમેન્ટમાં પાંચમા માળે છતનાં પોપડાં પડવાથી વૃદ્ધાનું
મોત થયું હતું, તો ત્યારબાદ 2021માં શહેરના જેષ્ઠાનગરમાં જર્જરિત
મકાન ધ્વંસ થતાં અફરાતફરી મચી ગઇ હતી. - 10 હજાર લોકો રહે છે : ભુજની જર્જરિરત ઇમારતોમાં મોટાભાગે રહેણાક ચાલુ છે અને સૂત્રો
પાસેથી મળેલી માહિતી પ્રમાણે અંદાજે 10 હજાર જેટલા લોકો નિવાસ કરે છે ત્યારે આ રહેણાક કરનારા નાગરિકો
માટે ચિંતાનો વિષય છે.