મુંદરા, તા. 9 : રાજ્યના ગ્રામ સેવકો અન્ય કેડરનાં જોબચાર્ટની કામગીરી સોંપવા
સહિતનાં વિવિધ પ્રશ્નોના મામલે લાંબા સમયથી સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે અને અંતિમ મુદ્દત આપ્યા બાદ પણ રજૂઆતોનું નિરાકરણ નહીં
આવતાં આજથી રાજ્યભરમાં આંદોલન કાર્યક્રમ આપશે. આ સંદર્ભે કચ્છમાં મુંદરા સહિત દરેક
તાલુકામાં કાળીપટ્ટી ધારણ કરીને વિરોધની શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે તબક્કાવાર આંદોલન
ઉગ્ર બનાવવાની પણ જાહેરાત કરાઈ હતી. ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળ દ્વારા રાજ્યના
કૃષિ મંત્રી, પંચાયત મંત્રી સહિત વિવિધ
ખાતામાં બે દિવસ પહેલાં લખાયેલા પત્રમાં વધુ
એકવાર રજૂઆતો કરાઈ હતી કે, અન્ય સંવર્ગોના જોબ ચાર્ટમાં સ્પષ્ટ
સમાવિષ્ટ હોવા છતાં રાજ્યનાં વિવિધ જિલ્લા- તાલુકાનાં ગ્રામ સેવકો પાસે આવી કામગીરી
કરવા સતત દબાણ કરવામાં આવે છે, જેનાથી તેમની મૂળભૂત કૃષિ વિસ્તરણ
અને ખેડૂતોને માર્ગદર્શનની કામગીરી પર વિપરિત અસર થાય છે. રેવન્યુ તલાટી અને પંચાયત
કમ મંત્રી તથા ખેત મદદનીશની કામગીરીનું આ દબાણ
તાત્કાલિક બંધ થાય અને સાત દિવસમાં પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે. આ સાથે પત્રમાં માગણી
કરાઈ કે, મહામંડળને વિશ્વાસમાં રાખીને ખેડૂતોને સાર્થક બને એવો
જોબ ચાર્ટ બહાર પાડવામાં આવે, મહેકમ વધારવામાં આવે, પ્રમોશનની તકોનો અન્યાય દૂર થાય, પ્રથમ ઉચ્ચત્તર પગાર
ધોરણમાં 4200 ગ્રેડ પેનો
લાભ અપાય, સાધનોની વ્યવસ્થા પૂરી પડાય તેમજ અન્ય કેડર
જેમ ખાસ ભથ્થું આપવા સહિત વિવિધ માગણી પ્રમુખ વીરેન ભાટુ તેમજ મહામંત્રી લાલાસિંહ ઠાકોરની
સહી સાથેનાં આ પત્રમાં કરાઈ હતી.- આજથી શું આપશે કાર્યક્રમ ? : તા.10/9ના જિલ્લા કક્ષાએ આવેદનપત્ર,
તા.14/9ના સરકારી
વોટસએપ ગ્રુપમાંથી લેફ્ટ, તા. 21/9ના ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર, તા. 25/9ના પેન ડાઉન, તા. 1/10ના માસ સી.એલ.
અને તા.2/10થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ
કરાશે.