• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

જખૌ : સામાન્ય મુદ્દે થયેલા ઝઘડામાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળ્યું

ભુજ, તા. 9 : અબડાસા તાલુકામાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું હોવાનો ઘટસ્ફોટ કરતી ઘટનાથી ચકચાર ફેલાઈ છે.  જખૌ-નલિયા માર્ગ પર થોડા દિવસ અગાઉ બાવળની ઝાડીમાંથી માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ સાથે મળેલા મૃતદેહ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે જુદી-જુદી 3 ટીમ બનાવી છાનબીન કરી હતી, જેમાં મૃતકની ભાળ મેળવી તેની હત્યા કરનારા આરોપી એવા મિત્રને પશ્ચિમ કચ્છ એસઓજીએ ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આ અંગે ડીવાયએસપી મનીષા દેસાઈએ આપેલી વિગતો મુજબ, મૃતદેહની ઓળખ માછીમાર એવા ઓસમાન ઉમર કેર (રહે. દ્વારકા) તરીકે થયા બાદ પોલીસે સઘન તપાસ આદરી હતી. પૂર્વ બાતમી અને ટેકનિકલ તથા માનવીય સંદર્ભોના આધારે કરાયેલી કાર્યવાહીમાં આરોપી હાજી જુમા સિદ્દી (રહે. ગાંધીનગરી, ઓખા, દ્વારકા)ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ કરતાં મૃતક સાથે અભદ્ર ભાષાના ઉપયોગ જેવી નજીવી બાબતે ઝઘડો થયા બાદ પથ્થર વડે તેના માથાના ભાગે હુમલો કરી મોત નીપજાવ્યાની કેફિયત આરોપીએ આપી હતી. પોલીસે આરોપી હાજી જુમા સિદ્દી સામે હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં એસડીપીઓ મનીષા દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર. જે. ગોહીલ, એએસઆઈ જોરાવરસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા તથા જખૌ પોલીસનો સ્ટાફ જોડાયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd