ગાંધીધામ, તા. 9 : રાપરના કિડિયાનગર રેલવે મથકે
પરિસરમાં અમુક તત્ત્વોએ મચાવેલા ઉત્પાતના કારણે ભારે ખળભળાટ મચ્યો હતો. સરકારી સંપત્તિને
નુકસાન પહોંચાડી ફરજ પરના રેલવે કર્મી પર પથ્થરો,
લાકડી વડે હુમલો કરાતાં 15થી 20 જણ સામે ગુનો
દર્જ થયો હતો. કિડિયાનગર
રેલવે મથકે પોઇન્ટસમેન તરીકે ફરજ બજાવતા ફરિયાદી અશોક નૈનારામ પરિહાર ગઇકાલે પ્લેટફોર્મ
ઉપર હતા ત્યારે બે શખ્સો બાઇકથી સ્ટંટ કરતા ફરિયાદી ત્યાં જઇ વીડિયો ડિલિટ કરાવી અહીંથી
જતા રહેવાનું જણાવ્યું હતું. ત્યારે આ બંને શખ્સો જતા રહ્યા હતા. બાદમાં 15થી 20 લોકોનું ટોળું રેલવે મથકે આવ્યું હતું. અને રેલવે મથકની ઓફિસમાં
તોડફોડ કરી હતી તથા ફરિયાદીને પકડી તેના ઉપર પથ્થર,
લાકડી વડે હુમલો કરાવ્યો હતો. અગાઉ પણ ગેટમેન પ્રિતમ સાથે મુકેશ ડી.
કોળીએ બોલાચાલી કરી હતી, જેનું માફીપત્ર લખાવતાં તથા ગઇકાલે બાઇકથી
સ્ટંટ ન કરી વીડિયો ડિલિટ કરાવતા તેનું મનદુ:ખ રાખી ટોળાએ ફિલ્મી સ્ટાઇલમાં રેલવે મથકે
આવી તોડફોડ કરી હતી. આ ટોળા પૈકી દિનેશ કાનજી કોળી, મુકેશ ડી.
કોળી, દિનેશના કાકાનો દિકરો તથા બાઇક નંબર જી.જે. 30 કે-6705, જી.જે. 29એ-2173 તથા જી.જે. 12 ઇ.એમ.-2657માં આવેલા
શખ્સો હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું.