• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

ભચાઉની ધરોહર બટિયા તળાવની ઘોર ઉપેક્ષા : દબાણનાં કારણે આવ બંધ

ભચાઉ, તા. 7 :  ભચાઉનું સૌથી જૂનું અને ઐતિહાસિક બટિયા તળાવ આજે ગંદકી અને કચરાના ભરડામાં આવી ગયું છે. આ ઉપરાંત તળાવની આસપાસ દબાણોનો પણ ખડકલો  થયો હોવાની રાવ પણ ઊઠી છે. એક સમયે ભચાઉની ઓળખ અને કુદરતી સૌંદર્યનો ભાગ રહેલું આ તળાવ આજે ઉપેક્ષા અને બેદરકારીની જીવંત તસવીર બની ગયું છે. તળાવમાં કમળના છોડ તો છે, પરંતુ તેની વચ્ચે ફેલાયેલી ગંદકી અને કચરો સમગ્ર પરિસ્થિતિને ગંભીર બનાવી રહ્યો છે.  આ અંગે મળતી વિગતો મુજબ તળાવના પાણીમાં પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો, કપડાં, ધાર્મિક સામગ્રી, મૂર્તિઓ સહિતનો મોટો પ્રમાણમાં કચરો જોવા મળે છે. તળાવના કિનારે પણ જ્યાં-ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ ઐતિહાસિક તળાવ  માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ ભચાઉની ઐતિહાસિક ધરોહર છે. તેને સ્વચ્છ અને સુંદર બનાવવા તાત્કાલિક સફાઈ અને યોગ્ય જાળવણીની જરૂર  હોવાનું શહેરના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. બટિયા તળાવની આસપાસ અનેક દબાણો વધી ગયા હોવાથી વરસાદી પાણીની આવ બંધ થતી જાય છે. ભચાઉ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે  દીવાલ, લાઇટ, ફ્લારિંગ કરાયું હતું અત્યારે પોલ છે, પણ લાઈટ ગાયબ થઈ ગઈ છે. દબાણવાળી જગ્યાએ ફેન્સિંગ કરાયું નથી. ચારે તરફ બાવળ છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો અહીં ભગવાન સ્નાન કરવા આવ્યા તે પ્રસાદીના સ્થળે કંઈક ભવ્ય સ્થળ બનાવવા માગે છે, પરંતુ વર્તમાન દબાણ-દુર્દશાને લઈ શક્ય નથી બનતું. આ તરફ દૃષ્ટિ કરી નગરનું અતિ પ્રાચીન અને એક સમયે માત્ર પીવાના પાણી માટે કામ લાગતું તળાવ સુંદર બને તે જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd