નરેશ અંતાણી દ્વારા : ભુજ, તા. 9 : શ્રાવણ મહિનો પરાકાષ્ટાએ છે.
ત્યારે આજે મોટે ભાગે દિવાળી અને સાતમ-આઠમના પર્વોમાં ગાજતાં રહેતાં જાગનાથ (જાગેશ્વર
મહાદેવ) મંદિરની વાત આજે કરીએ. મોટા ભાગના મહાદેવ મંદિરોની ઉત્પતિની સાથે કથા જોડાયેલી
છે તેવી જ કથા ભુજના આ જાગનાથ (જાગેશ્વર મહાદેવ) મંદિરનાં નિર્માણ સાથે પણ કથા સંકળાયેલી
છે. વાત છે આજથી લગભગ 400 વર્ષ પહેલાંની
આ સમયે હજુ ભુજના આલમપનાહ ગઢનું નિર્માણ નહોતું કરાયું, ત્યારે ભુજની બહાર ચારેય તરફ ગીચ ઝાડી અને જંગલી
વિસ્તાર હતો, જેમાં ભુજ નગરની બહાર દક્ષિણ દિશાએ જ્યાં હાલે કલ્યાણેશ્વર
મહાદેવનું મંદિર તથા તેની બાજુમાં જાગનાથ મંદિર છે અગાઉ અહીં મોટું જંગલ હતું. શહેરના મહાદેવ નાકા બહાર કલ્યાણેશ્વર મંદિરની બિલકુલ
નજીક એક ડેલામાં જાગનાથ મહાદેવનું મંદિર આવ્યું છે. આ મંદિર બિલકુલ કલ્યાણેશ્વર મંદિરની
પ્રતિકૃતિ જ બનાવવામાં આવી છે. સ્થાપત્ય પણ કલ્યાણેશ્વર મંદિર જેવું જ છે. આ મંદિર
પણ 400થી વધારે વર્ષ જૂનું છે. તેનું
સ્થાપત્ય કલ્યાણેશ્વર મંદિરને બિલકુલ મળતું અને સરખું જ છે તફાવત માત્ર એટલો છે કે, એ કલ્યાણેશ્વર કરતાં થોડું નાનું છે. એક નોંધ
મુજબ જાગનાથ મંદિરની પ્રતિષ્ઠા રાવ ભોજરાજજીના સમયમાં કરવામાં આવી છે. વિક્રમ સંવત
1689, ઈ.સ. 1633માં કેશવજી ત્રિવેદીએ આ મંદિરની
પ્રતિષ્ઠા કરી છે. બન્ને મંદિરનું સ્થાપત્ય એક જ સરખું છે એ મહત્ત્વની વાત છે. મંદિરના
સ્થાપત્યમા પ્રવેશમાં બે શૃંગાર ચોકી પછી સભામંડપ અને પછી ગર્ભગૃહ છે. અહીંના સ્વયંભૂ શિવાલિંગને જાગૃત
અને ભક્તવત્સલ માનવામાં આવે છે. ભક્તોની મનોકામના પૂર્ણ કરતા અને હંમેશા હાજરાહજુર
જાગતી જ્યોતિ સમાન હોવાથી જ તેને જાગનાથ કહેવાય છે. ઈ.સ. 2001ના ધરતીકંપમાં જાગનાથ મંદિરનાં
શિખરોને નુકસાન થયું હતું મંદિરનું સંચાલન અને સેવાપૂજા સંભાળતા ધીરજપુરીભાઈ ગોસ્વામીના
પરિવાર મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો છે, તેમાં મંદિરનાં શિખરોનું સ્થાપત્ય શૈલી મુજબ જ પુન:નિર્માણ કરાવ્યું અને મંદિરની
પરસાળ, શુંગાર ચોકી, સભામંડપ અને નીજ મંદિરમાં
ટાઈલ્સનું જડતર કરી મંદિરને દૈદિપ્યમાન બનાવાયું છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તજનોની
સારી એવી સંખ્યા રહે છે.