ગાંધીધામ, તા. 9 : ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા
પછી અત્યાર સુધીમાં વિકાસકાર્યો માટે 1590 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે તત્કાલીન નગરપાલિકા વખતે 145 કરોડનું બજેટ હતું, તેમાં વધારો કરવામાં આવ્યો છે. લોકોની જરૂરિયાત
મુજબ વિકાસનાં કામો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યાં છે, જે વિકાસનાં
કામો કરવામાં આવે, તેમાં ગુણવત્તા જાળવવાની જવાબદારી મહાનગરપાલિકાની
છે. ગુણવત્તા સાથેનાં કામો કરો, તો વધુ વિકાસકાર્યો મંજૂર કરવા
માટે સરકાર તૈયાર છે તેમ ગાંધીધામમાં 286 કરોડનાં વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલે જણાવ્યું હતું. - શ્રાવણ માસ
વિકાસ ઉત્સવ બન્યો : મુખ્યમંત્રીએ વર્ચ્યુલી જોડાઈને ગાંધીધામને
વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાની ભાવના વ્યક્ત કરીને વડાપ્રધાનના 2047ના વિકસિત ભારતના રોડ મેપમાં
ગાંધીધામને પણ લાભ મળવાનો છે તેવું ઉમેર્યું હતું. વધુમાં કહ્યું હતું કે, શ્રાવણ માસ વિકાસ ઉત્સવ બન્યો છે. વડોદરામાં પ્રધાનમંત્રી 35,000 કરોડનાં વિકાસકાર્યોના સહભાગી
બન્યા હતા. આ વિકાસ ઉત્સવને આગળ વધારતાં આજે ગાંધીધામમાં 286 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
થયું છે. વિકાસનાં કામોમાં ગુણવત્તા જાળવવાની
ટકોર કરીને ગુણવત્તા સાથેનાં વિકાસ કાર્યો કરવામાં આવશે, તો વધુ વિકાસનાં કામો મંજૂર કરવામાં આવશે તેમ
કહીને નાગરિકોને પણ સ્વચ્છતા બાબતે પોતાની જવાબદારી નિભાવવા ટકોર કરી હતી. ગાંધીધામને
સ્વચ્છ અને સુંદર બનાવવા માટે લોકોએ સહભાગી થવું જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું. - સાથે મળી વિકસિત ભારત સંકલ્પ
સાકાર કરવાનો છે : મુખ્યમંત્રીએ સાથે મળીને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાનો છે
તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ 135 કરોડના ખર્ચે બનનારો રિંગરોડ
તથા 25 કરોડના ખર્ચે મહાનગરપાલિકાની
મુખ્ય કચેરી તેમજ 20 કરોડના ખર્ચે
મદનાસિંહ સર્કલથી લુણદેવ રોડ અને ડીસી-પાંચથી કિડાણા રોડ સુધીનો માર્ગ તેમજ 106 કરોડના ખર્ચે મેઘપર બોરીચી
અને મેઘપર કુંભારડીનાં પાણી પ્રકલ્પનાં કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. - વિકાસ અવિરત ચાલતી પ્રક્રિયા
: આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ
વરચંદે વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રીને અભિનંદન આપીને વિકાસ અવિરત ચાલતી પ્રક્રિયા
હોવાનું જણાવ્યું હતું. નાગરિક તરીકે પોતાના વિસ્તારમાં ચાલતાં વિકાસનાં કામોની ચિંતા
કરીને જવાબદારી નિભાવવી જોઈએ અને સાથે મળીને કામ કરીએ તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.
- કોર્પોરેશન બન્યા પછી પરિવર્તન
નગર સમક્ષ : ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ
ગાંધીધામ કોર્પોરેશન બન્યા પછી પરિવર્તન નગર સમક્ષ છે. કરોડો રૂપિયાનાં વિકાસનાં કામો
થઈ રહ્યાં છે, વધુ 286 કરોડનાં કામો માટે ખાતમુહૂર્ત
થયું છે. આ ઉપરાંત રાજવી ઓવરબ્રિજનું કામ છ
મહિનામાં પૂર્ણ થઈ જશે, નવું બસ સ્ટેન્ડ
બની રહ્યું છે, અનેક કાર્યો થઈ રહ્યાં છે. ગાંધીધામ આગામી સમયમાં
પ્રગતિનો ઇતિહાસ રચશે તેમ જણાવ્યું હતું. મેયર દિવ્યાબેન નાથાણીએ વિકાસ કાર્યોથી શહેરની
પ્રગતિ થશે અને લોકોને સુખાકારી મળશે તેમ જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
તેજસભાઈ શેઠે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જ્યારે
ડેપ્યુટી મેયર નવીનભાઈએ આભારવિધિ કરી હતી. - અગ્રણીઓની ઉપસ્થિતિ : આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દાવેરા, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઇ આચાર્ય શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ,
પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રાસિંહ
જાડેજા, દંડક નેતા કિશોર ધુઆ, ગાંધીધામ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ, ખજાનચી કૈલેસ ગોર,
ઉદ્યોગપતિ વિમલ ગુજરાલ તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર ઉર્વીશ વાણંદ,
અંજાર પ્રાંત અધિકારી એસ.જે.
ચૌધરી, મહાનગરપાલિકાની
અલગ અલગ સમિતિના ચેરમેનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.