ભુજ, તા. 9 : કચ્છમાં અપૂરતી મેઘમહેર વચ્ચે
દુષ્કાળનો કારમો ઓછાયો મંડરાઇ રહ્યો છે, ત્યારે શ્રાવણના અંતિમ ચરણમાં પશ્ચિમ કચ્છમાં ઝાપટાંથી લઇ એક ઇંચ જેટલો વરસાદ વરસતાં પાછોતરી મેઘમહેર થવાની
આશા જીવંત બની છે. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ ફરી સક્રિય થવાનું
અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગે 12થી 15 સપ્ટેમ્બર
વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. ગણેશોત્સવ આસપાસ વરસાદનું પ્રમાણ સારું
રહેવાની શક્યતા છે. નલિયાના અહેવાલ અનુસાર અબડાસા તાલુકામાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે
અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધીમીધારે અને સમયાંતરે પડેલા વરસાદી ઝાપટાંને
કારણે સૂકાઈ રહેલા પાકને નવું જીવન મળતાં તાલુકાના ખેડૂતો અને માલધારી વર્ગમાં ખુશીની
લહેર ફરી વળી છે. તાલુકા મથક નલિયા ખાતે વહેલી સવારે વરસાદનું જોરદાર ઝાપટું પડ્યા
બાદ દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. બપોરે ફરી એકવાર ઝાપટું વરસી પડતાં નગરના મુખ્ય
માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતા. ગરડા પંથકના વાયોર, વાગોટ, રામપર અને ગોયલા
સહિતના ગામોમાં દિવસ દરમિયાન વરસાદી છાંટા પડ્યા હતા. કોઠારાથી મનોજ સોનીના જણાવ્યા
અનુસાર, કોઠારામાં પણ બપોર પછી ઝરમર વરસાદ થતાં માર્ગો ભીના થયા
હતા. કનકપર અને ડુમરા ગામમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. દરિયાઈ પટ્ટીના સિંધોડી અને
જખૌ સહિતનાં ગામોમાં પણ મેઘ મહેર જોવા મળી હતી. તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી
માહોલ રહ્યો હતો, તો બીજી તરફ કેટલાક વિસ્તારો તદ્દન કોરા રહ્યા
હતા. નખત્રાણા તાલુકાના જડોદરથી ઉખેડા ગામ
સુધીનો સીમાડો તથા ટોડિયા-કાદિયા, મથલ, દબાણ તથા રસલિયાના સીમાડામાં બપોરે અઢી વાગ્યાના અરસામાં પલટાયેલા વાતાવરણ
વચ્ચે ઝાપટારૂપે વરસાદ વરસતાં અડધો ઇંચ પાણી પડયું હતું. ઉખેડાથી સરપંચ તુષારભાઇ ગોસ્વામીએ જણાવ્યું કે, ખેતર-વાડીઓના મોલ તથા સીમાડામાં ઘાસચારાને
મહદ્અંશે ફાયદો થયો છે. ઉખેડાથી વેપારી રાજેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ગામમાં માત્ર છાંટા જ પડયા હતા. ટોડિયામાં
20 મિનિટ સુધી વરસેલાં ઝાપટાંથી
પાણી વહી નીકળળ્યાં હોવાનું વેપારી મહેન્દ્રભાઇએ જણાવ્યું હતું. મથલ સરપંચ હુસેનભાઇ
ખલીફાએ ભાદરવાના ભૂસાકા જેવા વરસાદના વાવડ
આપ્યા હતા. ટોડિયા, હીરાપર,
કાદિયા વિસ્તારમાં ઝાપટાંરૂપી વરસાદ પડયાનું કહ્યું હતું. માંડવી વિસ્તારમાં
ઝાપટાંરૂપે વરસાદે હાજરી પુરાવી હતી. કકડીને ભૂખે ભરડો લીધો હોય ત્યારે આંતરડી ઠારવા
ધરવ કરાવવાને બદલે કેવળ બે મિ.મી. સોગંદ ખાવા ધરતી પલાળીને ધરતીના ધણીએ પીઠ ફેરવી લીધી હોવાથી હતાશા ખમવાનો વારો લમણે લખાયો
હતો. ભુજ તાલુકાના કોટડા (ચ.) અને આસપાસના
ગ્રામ્ય વિસ્તારમાં સવારના ભાગે હળવા ઝાપટાં વરસ્યાં હતાં. જિલ્લા કન્ટ્રોલ રૂમમાં
દિવસ દરમિયાન અબડાસામાં 12 મિ.મી., લખપતમાં 3 મિ.મી. અને માંડવીમાં બે મિ.મી. વરસાદની
નોંધ થઇ હતી. જિલ્લા મથક ભુજમાં સવારના સમયે અમી છાંટણાથી જમીન ભીંજાઇ હતી.