• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

મુંદરાની ધરોહરોને સંરક્ષિત કરો

મુંદરા, તા. 20 : વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે મુંદરામાં પ્રથમ વખત યોજાયેલી શહેરની ઐતિહાસિક ઈમારતો, કલાનાં સ્થાનોને જોડતી `હેરિટેજ વોક'માં માત્ર શહેર તાલુકા જ નહીં, કચ્છભરના 71 જેટલા તસવીરકાર, વીડિયોગ્રાફર, બ્લોગર્સ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅર્સ જોડાયા હતા. આ પ્રસંગે અહીંના ઈતિહાસ તજજ્ઞો દ્વારા મુંદરા કચ્છનું `પેરિસ' કેમ કહેવાય છે, તેની એક સમયની બંદરીય વ્યાપાર, વહાણવટા જાહોજલાલીની સાથે કલાત્મકતા માટેની એ સમયનાં લોકોના પ્રેમની વાત કરીને આવી કલાત્મક બાંધણી ધરાવતી જૂની ધરોહરોને પુરાતત્ત્વ ખાતા કે અન્ય તંત્ર દ્વારા સુરક્ષિત કરવાની હિમાયત કરાઈ હતી. અહીં મુંદરા ફોટોગ્રાફર એન્ડ વીડિયોગ્રાફર એસોસીએશન અને સ્પંદન પિક્સલ આર્ટ ગેલેરીના સંયુકત ઉપક્રમે આયોજિત હેરિટેજ વોકમાં વહેલી સવારથી શહેરના કલા વારસા સાથેનાં સ્થાનોને કેમેરામાં સંરક્ષિત કરવા સાથે ઇતિહાસના તજજ્ઞોની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન વડીલ અને ઇતિહાસકાર તુલસીદાસ સ્વાલીએ જણાવ્યું કે, મુંદરાની હવેલીઓ, ઝરૂખાઓ, રૂમોની દીવાલોમાં એવી ઘણી અલભ્ય ચીજો છે, જે ભવિષ્યમાં ન બની શકે. એ સમયે વિદેશથી કાચ સીસમ મંગાવીને કલાત્મક ચીજો બનેલી છે. જેરામ શિવજી પેઢીની તળાવો, પાંજરાપોળમાં સખાવતો વિગેરે વિશે તેમણે નવી પેઢીનાં તસવીકારો સમક્ષ વાતો કરી હતી. અમદાવાદથી  ઉપસ્થિત રિષિકેશ સંપટે ભાટિયા પરિવારોના વ્યાપાર અને મુંદરાની હવેલીઓની સ્થળ પર જાણકારી આપી હતી.  બુખારી પીર દરગાહ અન્વરૂલ હક નૌશદમિયાં બુખારીએ મુંદરાના વહાણવટ વ્યાપારના વૈભવ વિશે પ્રસિદ્ધ લેખક ગુણવંતરાય આચાર્યએ નવલકથા લખી હોવાનું કહેતાં ઉમેર્યું કે, દીવાલ ચિત્રો સહિત ચીજો સંરક્ષિત થવી જોઈએ. મુંદરાનાં 40થી વધુ ઐતિહાસિક સ્થાનને પોતાનાં ચિત્રથી મઢનારા જે.પી. પઢિયારે કહ્યું કે, આ ધરોહર સાચવવાની સૌની ફરજ છે અને હવે જૂનાં બંદરનાં ચિત્ર સહિત ઘણા ચિત્રો બનાવવાનું લક્ષ્ય છે. આયોજક અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર અશોક ચૌધરીએ તમામ જોડાનારાઓનો આભાર વ્યક્ત કરતાં ઉમેર્યું કે, કોઈ પણ સમાજ કલા વિના અધૂરો છે. વિકાસ સાથે ઉદ્યોગોની કલા- સંસ્કૃતિ માટે પણ ફરજ બને છે. મુંદરાને સમજવા અને સંરક્ષિતતા માટે હવે સમય બરબાદ કર્યા વિના સાથે મળીને પ્રયાસ જરૂરી છે. એસો.ના અમિત સોની, કુલદીપ કટારિયા આયોજનમાં સહયોગી રહ્યા હતા.

`મુંદરા આજેય જ નહીં, પહેલાં પણ, વિશ્વના નક્શામાં હતું જ '

 `મુંદરાનો વિકાસ થયો અને કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, એ વાત સાચી પણ કોણ મેળવે છે અને કોણ ખોવે છે, એ સમજવાનો સમય છે. પર્યાવરણની આટલી જફા કદાચ ક્યાંય નહીં પહોંચી હોય. આ શહેરનો ઇતિહાસ લખાવો જોઈએ, અત્યારે નેટમાં સર્ચ કરીએ અને મુંદરા દેખાય છે એવું છે નહીં. ' એમ, પત્રકાર અશ્વિન ઝિંઝુવાડિયાએ હેરિટેજ વોક યાત્રા બાદ યોજાયેલા એક સમારોહમાં કહ્યું હતું. અતિથિપદેથી તેમણે કહ્યું કે, મુંદરાની સ્થાપનાં વિશે બે-ચાર માન્યતા છે. રણછોડરાયજીનાં મંદિરે તોરણ બંધાયું એ અસલ મુંદરા હતું. એક જમાનામાં એકર મુજબ નહીં, આખા ખેતર વેચાતાં, આજે કરોડની જમીન છે. અતિથિપદેથી રમેશ ભટ્ટે મુંદરાના ઇતિહાસની વાત કરતાં ઉમેર્યું કે, ખંડહર બતા રહા, ઈમારત કીતની બુલંદથી, પણ કાળની જ થપાટ નથી લાગી, કોદાળીની થપાટ લાગી છે. મુંદરા માત્ર આજે વિશ્વના નક્શા પર છે એવું નથી, પહેલાં પણ હતું. આ ઉપરાંત તેમણે ઇબજી શિવજી પેઢી, મીઠા પોર્ટ, ખજૂરની આયાતો, નાકાંઓની સમૃદ્ધતા, બગીચા અને કલાત્મકતાની વાતો નવી પેઢીના તસવીરકારો સમક્ષ કરી હતી.

Panchang

dd