નવી દિલ્હી, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સરકારી અધિકારીઓ
સાથે બેઠક યોજીને તેમને જવાબદારીની ભાવના સાથે કામ કરવા અને યુવાપેઢી સાથે વધુ સામેલગીરી
સાથે કામ કરવાની સૂચનાઓ આપી હતી. મોદીએ આજે તેમનાં નિવાસસ્થાને ભારત સરકારના સચિવો
સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, સુરક્ષા અને વિદેશી બાબતો તેમજ
ગવર્નન્સ (સુશાસન) સાથે સંકળાયેલા મંત્રાલયો અને વિભાગોના ભવિષ્યના કાર્યસૂચિ અંગે
ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સચિવોએ ઈમર્જન્સીના મુદ્દાઓ
અને આંકડાઓ વિશે વિચારવા ઉપરાંત, દેશના ભવિષ્યને કેવી રીતે આકાર
આપવો તે અંગે દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી પણ વિચારવું જોઈએ. સહિયારા પ્રયાસોના મહત્ત્વ
પર ભાર મૂકતાં, મોદીએ કોવિડ-19 મહામારી અને પશ્ચિમ એશિયા સંકટના અનુભવનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે વિવિધ વિભાગોના અધિકારીઓએ
સાથે મળીને અસરકારક રીતે કામ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આવા સમન્વય તંત્રો સરકારની કાર્યસંસ્કૃતિનો એક કુદરતી હિસ્સો બનવા જોઈએ. વડાપ્રધાને
માનવીય હસ્તક્ષેપ અને નિર્ણયશક્તિ સુનિશ્ચિત કરવાની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના
અસરકારક ઉપયોગ માટે આહ્વાન કર્યું હતું. તેમણે માનવીય ક્ષમતા અને નિપુણતા સાથે એઆઈની
ક્ષમતાઓને જોડવાના નવતર માર્ગો શોધવા માટે પણ જણાવ્યું હતું.