• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

હવે ઈરાન પર આર્થિક હુમલા : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 20 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સૌથી મોટી આર્થિક કાર્યવાહીનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઈરાને સમજૂતી કરવાનો મોકો ગુમાવી દીધો છે. ટ્રમ્પે એવી ચેતવણી પણ આપી હતી કે, ઈરાનની મદદ કરનાર દેશો અને સંસ્થાઓ પર પણ કાર્યવાહી થશે જેમાં બેન્ક, એરપોર્ટ, કંપનીઓ, સરકારી સંસ્થાઓ સામેલ રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર કડક વલણ અને આર્થિક યુદ્ધની ચેતવણી બાદ ગુરુવારે ક્રૂડ ઓઈલ અને બ્રેન્ટ ઓઈલના ભાવમાં લગભગ 3 ટકાનો વધારો થયો છે. કોમેક્સ પર ક્રૂડ ઓઈલ 2.21 ટકા વધીને 87 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું. બ્રેન્ટ ઓઈલ 2.30 ટકા વધીને 93 ડોલર પ્રતિ બેરલની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. યુએસ ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઈલના ભાવ 3.3 ટકા વધીને 88.67 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. `આર્થિક નાકાબંધી'ની ટ્રમ્પની ઘોષણા પર પલટવાર કરતાં ઈરાને અમેરિકાની જ આર્થિક સ્થિતિને લઈને અરીસો બતાવ્યો હતો. ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલના સંદર્ભ સાથે કહ્યું હતું કે, હકીકતમાં ટ્રમ્પની આવી ચેતવણી તેમના પોતાના દેશ પર બેહિસાબ કર્જ, આર્થિક સંકટથી ધ્યાન ભટકાવવાની કોશિશ છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાનની સૈન્ય તાકાતને ભારે નુકસાન થયું છે. નૌકાદળ, વાયુદળને ફટકો પડયો છે. અનેક સૈન્ય કારખાના તબાહ થઈ ગયાં છે. અમેરિકી રાષ્ટ્રપતિએ નવી કાર્યવાહીને `ઈકોનોમિડી-ડે' નામ આપ્યું હતું અને ઈરાન પર અત્યાર સુધીનું સૌથી ભારે આર્થિક દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વરિષ્ઠ અધિકારી બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રજાએ કહ્યું હતું કે, ટ્રમ્પની વાતો કરતાં વધુ ભરોસો કોઈ ટેક્સી ડ્રાઈવરની વાત પર છે. ટ્રમ્પની આ ધમકી પછી ઈરાનનાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ જોરદાર વળતો પ્રહાર કર્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, અમેરિકાનાં પોતાનાં આર્થિક સંકટ ઉપરથી ધ્યાન ભટકાવવાનો આ નર્યો પ્રયાસ છે. અમેરિકાની આવી નીતિ આર્થિક આતંકવાદ છે અને આનાથી દુનિયાની અર્થવ્યવસ્થા અને દેશોની સંપ્રભુતા ખતરામાં મૂકાઈ જશે. બીજીબાજુ ઈરાની સશત્ર સેનાઓનાં ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અલી અબ્દુલ્લાહીએ કહ્યું હતું કે, ખાડી દેશોએ અમેરિકી સેનાને કોઈપણ પ્રકારની મદદ કરવી જોઈએ નહીં. ક્ષેત્રીય ઠેકાણાઓ ઉપર અમેરિકી સૈન્ય વિમાનોની ઉપસ્થિતિ યજમાન દેશની જાણકારી વિના સંભવ નથી. અમેરિકાને આવી કોઈપણ પ્રકારની મદદ કે સુવિધા આપવી ઈરાન સામે જંગમાં સામેલગીરી સમાન છે.

Panchang

dd