અંજાર, તા. 20 : શહેર અને તાલુકામાં છેલ્લા
એકથી બે માસ દરમિયાન સતત અંગ્રેજી દારૂના મોટા જથ્થાઓ ઝડપાઈ રહ્યા હોવાના બનાવોએ સમગ્ર
વિસ્તારમાં ચકચાર મચાવી છે. વારંવાર દારૂના મોટા જથ્થા ઝડપાવા છતાં આ દારૂ અંજાર સુધી
પહોંચે છે કેવી રીતે અને તેની પાછળનું સમગ્ર નેટવર્ક હજુ સુધી કેમ બહાર આવ્યું નથી
તેવો પ્રશ્ન હવે લોકોમાં ઊઠી રહ્યો છે. દારૂની વકરતી બદી સામે પોલીસ દ્વારા મોટા બુટલેગરો
સુધી પહોંચવાને બદલે માત્ર નાના પાયે દારૂનો વેપલો કરતા બુટલેગરોને જ નિશાન બનાવાઈ
રહ્યા હોવાની રાવ જાણકારો કરી રહ્યા છે. પોલીસ દ્વારા શહેર અને તાલુકામાં કરાયેલી કામગીરી
જ જણાવે છે કે, દારૂની રેલમછેલ છે,
પ્રશ્ન એ છે કે જ્યારે સતત દારૂ ઝડપાઈ રહ્યો છે, ત્યારે આ દારૂનો પુરવઠો કરનારા મુખ્ય સૂત્રધારો સુધી તપાસ કેમ પહોંચી શકતી
નથી? આ સમગ્ર મુદ્દો ઊંડી અને નિષ્પક્ષ તપાસ માંગી લે તેવી સ્થિતિ
સર્જાઈ છે. જાણકાર વર્તુળોમાં પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. પોલીસ દ્વારા
હાથ ધરાતી કાર્યવાહી શંકાના ઘેરામાં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના દાવા
મુજબ રાજકીયવગના કારણે મોટા ગજાના બુટલેગરો બચી જાય છે અને દેખાવ માટે નાના સામે કાર્યવાહી
કરાય છે. પોલીસની કથિત મોટા ગજાની હપ્તાખોરીના કારણે અંજારમાં દારૂના ગેરકાયદે વેપારને
પ્રોત્સાહન મળી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો લોકો કરી રહ્યા છે. અમુક બુટલેગરોને આશ્રય
મળતો હોવાથી બેફામ ધંધા ચાલી રહ્યા છે. શરાબના સુનિયોજિત રીતે ચાલતાં નેટવર્ક સામે
કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં અંજાર
વિસ્તારમાં દારૂનું દૂષણ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શહેરનાં યુવાધનને બરબાદ કરી શકે
છે તેવી ચિંતા સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે. આ બાબતે પોલીસ પ્રશાસન ઉચ્ચસ્તરીય,
નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરી દારૂના ગેરકાયદે વેપારના મૂળ સુધી પહોંચે
તેમજ જેની પણ સંડોવણી હોય, તેની સામે પણ પગલાં લે તેવી માંગ પ્રબળ
બની છે.
સતાપરમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી : શહેરમાં પણ
અનેક કાર્યવાહી
અંજાર, તા. 20 : તાલુકાના નિંગાળ, મેઘપર બોરીચી અને વરસામેડી વિસ્તારમાંથી મોટા
પ્રમાણમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો હતો. બીજી તરફ સતાપર ગામમાં નકલી દારૂ બનાવતી
આખેઆખી ફેક્ટરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભચાઉથી વરસાણા તરફ જતી બોલેરો
ગાડીમાંથી અંજાર પોલીસે અંદાજે રૂ. સાત લાખથી વધુ કિંમતનો અંગ્રેજી દારૂ ઝડપી પાડયો
હતો, તો ગત 27 જુલાઈના પણ અંજારના ભુવડની સીમમાં, ગળપાદરના શાંતિધામ મધ્યેથી સફેદ રંગની બલેનો
કારમાંથી સાડા ચાર લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. અંજાર શહેરની
અંદર પણ સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. એક મહિના અગાઉ શહેરના ગાંધી ફળિયામાં
અંગ્રેજી દારૂ વેચતા એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે
વિજયનગર વિસ્તારમાંથી પણ દારૂનાં વેચાણમાં સંડોવાયેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો
હતો. ગત 23 જૂનના કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટનાં ગોડાઉનમાં બંગડીઓનાં
પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં દારૂનાં ગેરકાયદે નેટવર્કની વ્યાપકતા
વધુ સ્પષ્ટ થઈ હતી.
એસએમસીની રેડ બાદ બુટલેગરોનાં ઠેકાણા બદલ્યાં
અંજાર, તા. 20 : ગાગોદર ખાતે એસએમસીએ 48 લાખનો વિદેશી દારૂ પકડી પાડયો હતો ત્યારબાદ સ્થાનિક પોલીસ બેડામાં
પણ સોંપો પડી ગયો હતો. જાણકારોનું માનીએ, તો
આ રેડ બાદ અંજારમાં અમુક જગ્યાએ ખુલ્લેઆમ અંગ્રેજી દારૂ વેચતા બુટલેગરોએ પોતાનાં
ઠેકાણા બદલીને આ ગુનાહિત પ્રવૃત્તિને છૂપી રીતે અંજામ આપી રહ્યા છે. જો આ બાબતે પોલીસ
દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે, તો શહેરમાં દારૂનાં દૂષણને
વધતું અટકાવી શકાય તેમ છે.