ભુજ, તા. 20 : થોડા જ દિવસ પૂર્વે મોરબીના
ટંકારાના મામલતદારના ભુજ સ્થિત જૂની રાવલવાડી આશાપુરા સોસાયટીમાંના બંધ મકાનમાંથી ઘરેણાં
તથા રોકડ સહિત રૂા. 2,53,000ની
ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનાના ત્રણ આરોપીને એલસીબીએ ઝડપી ચોરીનો ભેદ ઉકેલી
લીધો છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ પી.આઇ. એ. એમ. મકવાણા તથા પી.એસ.આઇ.
જે. બી. જાદવ, એમ. એચ. શિણોલે ટંકારાના
મામલતદાર પ્રફુલભાઇ ગોરના ભુજ સ્થિત મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલવા તેમના સ્ટાફને
સૂચના અને માર્ગદર્શન આપતાં એ.એસ.આઇ. વીરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ
ઝાલા, સુનીલભાઇ પરમાર, અશ્વિનભાઇ સોલંકી,
હે.કો. રણજિતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા,
રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા
વિક્રમસિંહ ગોહિલ પેટ્રોલિંગમાં હતા ત્યારે રણજિતસિંહ અને જયદેવસિંહને ખાનગી બાતમી
મળી કે, જૂની રાવલવાડીના આશાપુરા સોસાયટીના બંધ મકાનમાં થયેલી
ચોરીમાં સુનીલ કૈલાસ દેવીપૂજક (રહે. આશાપુરાનગર, મહેશ્વરીવાસ,
ભુજ), આનંદ મુકેશભાઇ દેવીપૂજક (રહે. રામનગરી,
ભુજ) અને રાહુલ મુકેશભાઇ દેવીપૂજક (રહે. હંગામી આવાસ, ભુજ) સંકળાયેલા છે. તમામ હાલે સુનીલનાં મકાને હાજર છે. આથી ત્રણેને સોનાના
સેટ-2, બુટ્ટી સાથે ચાંદીની લગડી, બંધ હાલતમાં છ મોબાઇલ, એક ડિસમિસ, એક વાંદરી પાનું, હાથબત્તી
તથા આરોપીઓના બે મોબાઇલના મુદ્દામાલ સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસને આગળની કાર્યવાહી અર્થે
સોંપ્યા છે. આ ગુનામાં સામેલ રાહુલ પટ્ટણી (રહે. વડોદરા)ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન
કર્યા છે.