નવી દિલ્હી, તા. 20 : `વંદે માતરમ્' પર ગુરુવારે રાજકીય ઘમસાણ સર્જાયું હતું. દેશના
ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વંદે માતરમ્ પૂરું નહીં ગાવાનો કોંગ્રેસનો ફેંસલો આશ્ચર્યજનક અને દેશ વિરોધી
છે. શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે 1937માં રાષ્ટ્રગીતના બે ટૂકડા કરીને મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું છે. કોંગ્રેસના એ ફેંસલાથી
બે રાષ્ટ્ર સિદ્ધાંતને મજબૂતી મળી અને આગળ પર ભારત દેશના ભાગલા થયા. વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ એ ભૂલ સુધારી હતી તેવું તેમણે ઉમેર્યું હતું. ગૃહમંત્રી શાહના નિવેદન પર કોંગ્રેસે
પલટવાર કર્યો હતો. કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, વંદેમાતરમ્ સ્વતંત્રતા સંગ્રામનો
હિસ્સો હતું. આ અમારા માટે ભાવનાત્મક મુદ્દો છે. ભાજપ પક્ષ સ્વતંત્રતાના સંગ્રામનો
ભાગ નથી રહ્યો એટલે આ તેમના માટે રાજકીય મુદ્દો છે, તેવા પ્રહારો
તેમણે કર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, વંદે માતરમ્ના
માત્ર બે પદ ગાવાનો કોંગ્રેસનો ફેંસલો તુષ્ટિકરણ અને વોટબેન્કની રાજનીતિ છે. દેશમાં
હવે આવું રાજકારણ નહીં ચાલે. કોંગ્રેસ આજે 1937માં રાષ્ટ્રગીતને બે ભાગમાં તોડવાનો જૂનો ફેંસલો
લાગુ કરી રહી છે.ગૃહમંત્રી અમિત શાહે આહ્વાન કર્યું હતું કે, વંદે માતરમ્ પર કોંગ્રેસના આવા
ફેંસલા વિરુદ્ધ દેશની જનતાએ અવાજ ઊઠાવવો જોઇએ.
તેમણે કહ્યું હતું કે, ભાજપ કોંગ્રેસના આ વોટબેન્કની રાજનીતિ
કરતા ફેંસલાનો જનતા વચ્ચે જઇને તેમજ સંસદ, વિધાનસભામાં પણ જોરદાર
વિરોધ કરશે. વંદે માતરમ્ વિવાદ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પણ ગઇકાલે
બુધવારે કહ્યું હતું કે, કોંગ્રેસે વોટબેન્કની રાજનીતિ માટે રાષ્ટ્ર
ગીતનું અપમાન કર્યું છે. કોંગ્રેસ હવે નવી મુસ્લિમ લીગ બની ગઇ છે. આ ફેંસલો વંદે માતરમ્ને
મનમાં રાખીને બલિદાન આપનાર શહીદોનું અપમાન છે, તેવું તેમણે કહ્યું
હતું.