નવી દિલ્હી, તા. 20 : ભારતીય રિઝર્વ બેન્ક આગામી સમયમાં એક એવા મહત્ત્વપૂર્ણ
ફેરફારનો પ્રસ્તાવ લાવી રહી છે, જેનાથી ફ્લાટિંગ રેટ લોન પર વ્યાજદરોમાં થતા ફેરફારની અસર ગ્રાહકો પર ખૂબ ઝડપથી
જોવા મળશે. આરબીઆઈની આ નવી યોજના હાલમાં માત્ર એક ડ્રાફ્ટ (ખરડો) છે, જેના ઉપર 11 સપ્ટેમ્બર 2026 સુધી સૂચનો મંગાવવામાં આવ્યાં છે. જો આ પ્રસ્તાવને
મંજૂરી મળશે, તો આ નિયમ
પહેલી એપ્રિલ, 2027થી અમલમાં આવશે. જો કે, આ નિયમથી હોમ લોનની ઈએમઆઈમાં
તુરંત કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ રિઝર્વ બેન્ક દ્વારા દરોમાં
ઘટાડો કે વધારો કરવાનો લાભ કે અસરો લોનધારકો સુધી પહોંચવાની પ્રક્રિયા ઘણી બદલાઈ જશે.
આરબીઆઈનો સૌથી મોટો પ્રસ્તાવિત ફેરફાર વ્યાજદરોના રીસેટ સમયગાળા સાથે જોડાયેલો છે.
હાલમાં મોટાભાગની ફ્લાટિંગ-રેટ લોન વર્ષમાં માત્ર એક જ વાર રીસેટ થાય છે. આના કારણે
આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ પણ લોનધારકોને તેનો લાભ મેળવવામાં મહિનાઓ
લાગી જતા હતા. આબીઆઈનો આ નવો રીસેટ ફ્રેમવર્ક મુખ્યત્વે ફ્લાટિંગ-રેટ લોન પર લાગુ થાય
છે. રિટેલ લેન્ડિંગ ક્ષેત્રે તે ખાસ કરીને હોમ લોન પર અસર કરશે. મોટાભાગની પર્સનલ અને
ઓટો લોન ફિક્સ-રેટ આધારિત હોવાથી આ નિયમોને કારણે હયાત પર્સનલ લોનની ઈએમઆઈમાં અચાનક
કોઈ બદલાવ નહીં આવે.
ફલોટિંગ રેટ લોન ત્રણ માસમાં રિસેટ કરવી પડશે
પ્રસ્તાવિત નિયમ હેઠળ હવે ફ્લાટિંગ રેટ લોન વધુમાં
વધુ ત્રણ મહિનાની અંદર રીસેટ કરવી પડશે. આનાથી રેપો રેટ આધારિત હોમ લોન લેનારાઓને વ્યાજદરો
ઘટવાનો લાભ ઝડપથી મળશે, પરંતુ સામે પક્ષે વ્યાજદરો વધવાની સ્થિતિમાં તેની અસર પણ વહેલી જોવા મળશે.