ભુજ, તા. 8 : ભુજ તપગચ્છ જૈન સંઘના આંગણે
આચાર્ય રશ્મિરત્નસૂરિશ્વરજી મ. સા. આદિ 36 સાધુ-સાધ્વી ભગવંત તથા સકલ સંઘના આશીર્વાદ લઈ 7થી 70 વર્ષના તપસ્વીઓએ સિદ્ધિતપનો પ્રારંભ કર્યો તો. છેલ્લા 20 દિવસથી સાત ગચ્છના ઉપાશ્રયમાં
જઈ `હર ઘર સિદ્ધિતપ, ઘર ઘર સિદ્ધિતપ'નું અભિયાન
હેઠળ યુવાનોએ ડોર ટુ ડોર કેમ્પેઇન ચલાવ્યું હતું. 230 જેટલા આરાધકે સિદ્ધિતપના પચક્કખાણ
ગ્રહણ કર્યા. પ્રવચન આપતા જૈનાચાર્ય રશ્મિરત્નસૂરિજીએ કહ્યું કે, `તપ કરવો હોય
તો પહેલાં ઈચ્છા કરો, નિર્ણય કરો,
પ્રવૃત્તિ કરો, વિઘ્નો આવે તો અડગ રહો,
સિદ્ધિ મેળવો પછી પ્રસિદ્ધિ આપોઆપ મળશે. તપ શુદ્ધ થાય તે માટે બ્રહ્મચર્યનું
પાલન કરવા, પરમાત્માની પૂજા કરવાની, ક્રોધાદિ
કષાયોથી દૂર રહેવાનું જણાવ્યું હતું. 6 ઓગસ્ટે ગુણરત્નસૂરિજીની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે સમૂહ
ગુણાનુવાદ અને સામૂહિક આયંબિલ કરાશે તેમ જણાવતાં ગુરુદેવનો પરિચય આપતાં જૈનાચાર્યે
કહ્યું કે, આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજીનો
જન્મ રાજસ્થાનમાં થયો. શિક્ષા-દીક્ષા મુંબઈમાં થઈ હતી. 60 હજાર શ્લોક પ્રમાણ ખવગસેઢી
આદિ ગ્રંથોની રચના કરી. અમેરિકન કોંગ્રેસ લાઇબ્રેરીમાં તેમના પુસ્તકને સ્થાન અપાયું.
રામાયણના પ્રખર પ્રવચનકાર હતા. બે હજાર સિદ્ધિતપ કરાવ્યા. 500 માસક્ષમણ કરાવ્યા. 50 વર્ષથી શિબિરો અને વિશ્વપ્રકારા
જૈનીઝમ કોર્સ દ્વારા ધર્મજાગૃતિ લાવી. ઈન્ડિયા બુક રેકોર્ડ અને એશિયા બુક રેકોર્ડમાં
નામ અંકિત થયું. ઐતિહાસિક સંઘ, ઉપધાન,
નવાણું, પ્રતિષ્ઠાના નિશ્રાદાતા હતા. એમની સમાધિ
મંદિરની રચના સુરત-વેસુમાં થયેલ છે. તપગચ્છ સંઘ પ્રમુખ કીર્તિભાઈ શાહ તથા કારોબારી
કમિટી અને યુવાનો સિદ્ધતપના આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે, તેવું મહેશ પ્રભુલાલ મહેતાની યાદીમાં જણાવાયું હતું.