ભુજ, તા. 8 : શહેરની ઓફ્રેડ હાઈસ્કૂલની `મૈત્રી'
સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે સરસ્વતી સન્માન સમારંભ તથા ઈનામ
વિતરણ ક્રાર્યક્રમ યોજાયો હતો. કચ્છની સૌપ્રથમ એવી ઓફ્રેડ હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની
માન્યતા પ્રાપ્ત સંસ્થા `મૈત્રી' દ્વારા સને 2025-26નાં વર્ષ દરમ્યાન ઉત્તીર્ણ
થઈ વિવિધ સ્કૂલમાંથી અલગ અલગ વિષયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ આવનારા ધોરણ 10 તથા ધોરણ 12ના 48 છાત્રને સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.
પ્રાંરભમાં તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થના રજૂ કરાયા બાદ વર્ષ દરમિયાન અવસાન પામેલા
`મૈત્રી'ના કારોબારી કુટુંબીઓ તથા અન્ય ભૂતપૂર્વ સ્ટાફ તથા તેમના પરિવારજનોની યાદમાં
બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરી મંચસ્થ કારોબારી સભ્યો તથા મહેમાનો દ્વારા
દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના માનદમંત્રી
ડો. મહેન્દ્રભાઈ ઠક્કરે પ્રસંગ પરિચય આપ્યો હતો. આ પ્રસંગે માતૃછાયા કન્યા વિદ્યાલયની
પ્રતિભાવંત વિદ્યાર્થિની કુ. કેશવી પરાગભાઈ ચૌહાણ (ધો.12)ને વિવિધ પ્રવૃત્તિઓમાં અવ્વલ
આવવા બદલ તથા ઓફ્રેડ હાઈસ્કૂલના વિદ્યાર્થી અજય શ્યામજીભાઈ મારવાડાને પણ રાજ્યકક્ષાએ
યોજાઈ રહેલી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026 ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ મેળવી શાળાનું તથા કચ્છ જિલ્લાનું
નામ રોશન કરવા બદલ `મૈત્રી` સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે
મુખ્ય અતિથિ શાંતિલાલ ભંડેરી તથા તેમના પત્ની ધનુબેન ભંડેરીએ ઉપસ્થિતરહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા
અને વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતો પૂરી કરવાના ઉદ્દેશથી રૂા. 25 હજારનું દાન જાહેર કર્યું હતું.
આ પ્રસંગે `મૈત્રી'
સંસ્થાના ઉપપ્રમુખ જગદીશભાઈ મહેતાએ દાતાનો આભાર માન્યો હતો. સંસ્થાના
પ્રમુખ પ્રીતમ મહેતાએ વિદ્યાર્થીઓને આશિવર્ચન પાઠવી જીવનના દરેક તબક્કે સફળતાની સાથે
સમય આવ્યે નિષ્ફળતાને પણ પચાવતા શીખવાની શીખ આપી હતી. ગુરુપૂર્ણિમાના અવસરે `મૈત્રી'
સંસ્થાના કારોબારી સભ્યો તથા વિદ્યાર્થીઓ દ્વારા હાજર રહેલા સર્વે શિક્ષકોનું
તિલક કરી પૂજન કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓને યોગનું શિક્ષણ નિસ્વાર્થ ભાવે આપતા
યોગ શિક્ષક નારાણજીભાઈ ચુડાસમા તથા ભાવનાબેન વેલાણીનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે
કૌશિક સોમપુરા, ચંદ્રકાંત જેઠી, ગૌતમ ભાનાણી,
એ. કે. શેખ, નેણશીભાઈ મિઠીઆ, આમંત્રિત મહેમાનો ઉપરાંત શાળાના પ્રાધ્યાપકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ
ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ખુશ્બૂબેન, આભારવિધિ ગૈતમ ભાનાણીએ
કર્યા હતા.