• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

હવે તો 2027માં ભુજને આધુનિક રેલવે મથક મળે

ભદ્રેશ ડુડિયા દ્વારા : ભુજ, તા. 8 : અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવા ભુજ રેલવે સ્ટેશનનું પુન: નિર્માણ 200 કરોડથી વધુ માતબર રકમથી થઇ રહ્યું છે. 80 ટકા જેટલી કામગીરી થઇ ગઇ છે. આગામી બે-ત્રણ માસમાં કામ પૂર્ણ કરવા લક્ષ્યાંક અપાયો છે, પરંતુ હજુ છથી સાત માસ આ કામને પૂર્ણ થતાં લાગશે તેવું સ્થાનિકની મુલાકાત દરમ્યાન પ્રતીત થયું હતું. અગાઉ બે વાર કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાઇ ચૂકયો છે, ત્યારે હવે 2027માં ભુજને આધુનિક રેલવે મથક મળે તેવી આશા છે. એરપોર્ટને પણ આંટી મારે તેવા આધુનિક સુવિધાઓથી તૈયાર થઇ રહેલા ભુજના પુન:નિર્મિત રેલવે સ્ટેશનની મુલાકાત લેતાં રેલવે મથકમાં પ્રવેશતાં જ એક માળ ઉપર જતાં 1.20 લાખ ચો. ફૂટ છતવાળો ક્રોંક્રિટ એરિયા ટાઇલ્સ સાથે તૈયાર થઇ ગયો છે, જ્યાં 450થી વધુ મુસાફરો માટેની બેઠક વ્યવસ્થતા હશે અને અહીંથી જ ત્રણ ઓવરબ્રિજ મારફત વિવિધ પ્લેટફોર્મ પર આવાગમન થશે, જેમાંથી બે છ મીટર પહોળા, એક આઠ મીટર પહોળો છે. રેલવે મથકમાં પ્રવેશતાં જ પ્રથમ માળ ઉપર આરામની સુવિધાઓ સાથોસાથ અન્ય રેલ મથકની જેમ ફૂડકોર્નર, લાયબ્રેરી અને વિવિધ એકિટવિટીઝનાં સાધનો ગોઠવાશે. ટ્રેનના આવાગમનનાં ઇલેક્ટ્રિક સૂચના બોર્ડ હશે. આવાગમન માટે 13  લિફટ અને એસ્કેલેટર હશે. અમુક લિફટ કાર્યાન્વિત થઇ ગઇ છે. જ્યારે એસ્કેલેટરનાં કામ બાકી છે. આ રેલવે મથકના વિવિધ પ્લેટફોર્મને વિશાળકાય ડોમ આકારમાં સનરૂફ-શેડનું કામ હાલ અત્યંત ચીવટ-સાવધાનીપૂર્વક ચાલી રહ્યું છે. કાર્યરત સ્ટેશનમાં ટ્રેન-મુસાફરોની અવર-જવરને ધ્યાનમાં લઇ આ કામ રાત્રિના ભાગે કરવામાં આવે છે. ભારે વજનવાળા પિલર્સને ક્રેન મારફત ગોઠવી ફિટિંગકાર્ય ચાલુ હોવાનું સ્થળ ઉપરથી જાણવા મળ્યું હતું. કચ્છમાં પ્રવાસ ઉદ્યોગે હરણફાળ ભરી છે તેમજ ઔદ્યોગિક વિકાસનાં પગલે દેશના વિવિધ રાજ્યના લોકો અહીં સ્થાઇ થયા છે, ત્યારે આવા રાજ્યોના મથકો સાથે કચ્છ જોડાય તે માટે નવી ટ્રેનો શરૂ કરવાની માંગ પણ સમયાંતરે ઊઠતી જ રહે છે. આથી અહીંના રેલવે મથકે બે નવી પીટલાઇન પણ તૈયાર થઇ રહી છે, જેથી ચારથી છ નવી ટ્રેનને સમાવી શકાશે. આગામી 40થી 50 વર્ષ સુધી પ્રવાસી વર્ગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જિલ્લાના ટનગર ભુજના રેલવે સ્ટેશનનાં નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. સ્ટેશનના બન્ને બાજુ પ્રવેશદ્વાર હશે અને બન્ને બાજુ 50થી વધુ કાર, 400થી વધુ દ્વિચક્રી વાહનો, 30 ઓટો રિક્ષા તથા ચાર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનની સુવિધા કરવામાં આવશે. આ સ્ટેશનને હરિત ભવન પ્રમાણપત્ર મેળવવાના લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

Panchang

dd