• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

અમેરિકાની ધરતી પર ઝીલાયો કચ્છનો ધબકાર

પાર્સિપેની (ન્યૂજર્સી), તા. 8 : અમેરિકાના ન્યૂજર્સીના પાર્સિપેની શહેરમાં તાજેતરમાં 10મું કોજૈન સંમેલન `મોર બની થનગનાટ કરે' યોજવામાં આવ્યું હતું. ચાર દિવસના આ સંમેલનમાં વિશ્વના વિવિધ દેશમાંથી 900થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમ્યાન વણાટકળાના જીવંત નિદર્શન, 50થી વધુ સત્ર ઉપરાંત `કચ્છી ગોટ ટેલેન્ટ' કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું હતું. ગરબા બેન્ડ અને પરંપરાગત ભાતીગળ ભોજને વિદેશમાં વતનની સોડમનો માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે સમાજસેવા-સમુદાય માટે યોગદાન બદલ બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા, રામ ગડા અને પ્રવીણ વેલજી શાહને પ્રતિષ્ઠિત `કોજૈન રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારી આઠ વ્યક્તિને કોજૈન રિકગ્નિશન એવોર્ડ આપવામાં આવ્યા હતા. ભારતથી ઉપસ્થિત સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા, કચ્છ યુવક સંઘના કોમલ છેડા, હેમંત કારાણી અને કચ્છી જૈન ફાઉન્ડેશન અને વડો મહાજનના ધીરજ છેડાએ સમાજના વિકાસ, યુવાશક્તિ અને વૈશ્વિક જોડાણ અંગે પ્રેરણાત્મક વિચાર રજૂ કર્યા હતા. જૈન વિદ્વાન શ્રેણિક ગાલા અને શ્રુતપ્રજ્ઞાજીએ આધ્યાત્મિકતા અને જીવનમૂલ્યો પર માર્ગદર્શન આપ્યું હતું. એક વર્ષથી પણ ઓછી ઉંમરનાં બાળકથી લઈને 96 વર્ષના વરિષ્ઠ સભ્ય સુધી દરેક માટે અલગ-અલગ કાર્યક્રમો અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સંમેલન દરમિયાન ઉપસ્થિત પરિવારોએ આનંદ સાથે લાગણી વ્યક્ત કરી હતી કે `મેડાવે  મેં મજા અચી વઈ !' સંમેલનનો પ્રારંભ ફ્લેશ-મોબ સાથે થયો, જેમાં લગભગ 50 કમિટી લીડર્સે રજૂઆત કરીને સમગ્ર હોલને ઉત્સાહથી ભરી દીધો હતો. ત્યારબાદ કોજૈનના પ્રમુખ ભાવિની જયેશ ગડાએ સમુદાયની એકતા, સેવા અને ભવિષ્ય અંગે સંબોધન કર્યું. કચ્છના જાણીતા વણકર શામજીભાઈએ પરંપરાગત કચ્છી વણાટકળાનું જીવંત પ્રદર્શન કરીને યુવા પેઢીને પોતાના સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવ્યા હતા. સંમેલનમાં યોજાયેલ હાઇબ્રિડ કીનોટ સત્રમાં કચ્છ નવનિર્માણ અભિયાનના મોવડીઓ સુષ્મા આયંગર, સંદીપ વિરમાણી અને વિવેક મારૂએ શિક્ષણ, સમાજ વિકાસ અને નેતૃત્વ જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. દિવસ દરમિયાન યોજાયેલા 50થી વધુ સત્રોમાં ઉદ્યોગસાહસિકતા, હાર્ટ હેલ્થ, નાણાકીય આયોજન, કલા, સાડી ડ્રાપિંગ, દાદા-દાદીની વાર્તાઓ, કચ્છી ફેમિલી ફ્યૂડ, ડાયરાઓ અને બોલીવૂડ જામિંગ જેવા કાર્યક્રમોએ દરેક વયના પ્રતિનિધિઓને જ્ઞાન અને મનોરંજન બંને પૂરા પાડ્યા હતા. `કચ્છી ગોટ ટેલેન્ટ' કાર્યક્રમ વિશેષ આકર્ષણ રહ્યો હતો. બાળકો, યુવાનો અને વરિષ્ઠોએ નૃત્ય, સંગીત, નાટક, તબલા વાદન અને અન્ય વિવિધ કલાઓ દ્વારા પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું. સોશિયલ ટીમની સરપ્રાઇઝ રજૂઆતને પણ ઉપસ્થિતોએ વધાવી લીધી હતી. સાંજે મિશિગનથી આવેલા ગરબા બેન્ડે સૌને ગરબાના રંગમાં રંગી દીધા હતા. ત્યારબાદ ભવઝીના રેપ પરફોર્મન્સ, લોકપ્રિય ગાયક ધવલ કામદાર અને ડીજે ઉમંગના સંગીતે મોડી રાત સુધી સમગ્ર વાતાવરણને ઉત્સાહથી ધબકતું રાખ્યું હતું. આયોજકોએ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ માટે સહયોગ આપનાર તમામ પ્રાયોજક પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમના ઉદાર સહયોગ વિના આ ભવ્ય આયોજન શક્ય બન્યું ન હોત. અંતમાં સમગ્ર કોર ટીમના નેતૃત્વ, તમામ કમિટીઓની મહેનત, સ્વયંસેવકોની સેવા અને પ્રતિનિધિઓના ઉત્સાહને બિરદાવતાં આયોજકોએ જણાવ્યું કે, 10મું કોજૈન સંમેલન માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ વિશ્વભરના કોજૈન પરિવારની એકતા, સંસ્કૃતિ, સેવા, પરંપરા અને ઉજ્જવળ ભવિષ્યનો અવિસ્મરણીય ઉત્સવ બની રહ્યું હતું.

Panchang

dd