• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

યુકેમાં ઇન્ડિયા ગાર્ડન જુલાઇ 2027માં લોકાર્પિત કરાશે

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 8 : 400 બાળક માટે શનિવારીય શાળા, સંગીત-નૃત્ય, સંસ્કૃત, માતૃભાષા શિક્ષણ, ધર્મ સંસ્કાર વર્ગ, 43 વર્ષથી ક્રિકેટ ક્લબ, પાંચ એ સાઈઝ ફૂટબોલ, વૃદ્ધ - વડીલ માટે ટિફિન, વડીલ આરોગ્ય મિલન, બેડમિન્ટન, વોલીબોલ, સાહસિક પ્રવૃત્તિઓ, લંડન મેરેથોન, વાર્ષિક મેલા, જીવનસાથી પંસદગી, સ્વાસ્થ્ય સેમિનાર જેવી અનેક પ્રવૃત્તિઓ બ્રિટન જેવા અતિ વ્યસ્ત પરિવેશમાં થઇ રહી છે. અહીં 255 કરોડ રૂપિયાના ખર્ચે `ઇન્ડિયા ગાર્ડન' નિર્માણના અંતિમ તબક્કે છે. ભારત બહાર કોઇ એક સમુદાયનું 18 એકરમાં ફેલાયેલું સંકુલ અને 255 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન `ઇન્ડિયા ગાર્ડન' એકમાત્ર છે, જે યુરોપ આખામાં સૌથી મોટું છે. 1900 ચો.મી.નો મુખ્ય હોલ છે, 8 બેડમિન્ટન કોર્ટ, બે ઇન્ડોર ફૂટબોલ, ચાર ઇન્ડોર ક્રિકેટ નેટ, વિશાળ મંચ, બે પ્રસાદાલય, બાંધકામની ચાર પાંખોમાં ક્રિકેટ પેવેલિયન, ચેન્જિંગ, બાથ, ખેલાડી લોંજ, સભ્ય લોંજ, કાફે, બે ક્રિકેટ પીચ, ઇન્ડોર જીમ, પ્રથમ માળે ભારતીય સંસ્કૃતિના વર્ગો, મિટિંગ કક્ષ સહિતની સુવિધા કરાઇ છે. સંપૂર્ણ નિર્માણ કચ્છી કણબીઓના રસ-રુચિ મુજબ છે. પ્રવેશદ્વારે ભગવાન સ્વામિનારાયણ, રામ-શ્યામ, ગણપતિ-હનુમાનજીનાં મંદિરો છે, તેની વિગતો આપતાં કોમ્યુનિટીના યુવા અધ્યક્ષ-પ્રોજેક્ટ કન્વીનર માવજીભાઇ ધનજી વેકરિયા (કેન્ફોર્ડ)એ કચ્છમિત્રને કહ્યું કે, આ નિર્માણ બ્રિટિશ કચ્છી એવા યુવક-યુવતીઓના ભવિષ્યને બાંધશે. આ માટે `સંઘ શક્તિ કલિયુગે' સૂત્રને ચરિતાર્થ કરવા સમાજ અને સત્સંગને એક થવા લાગણી રખાઇ છે, જેમાં વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે ઐતિહાસિક પહેલ કરી છે. બ્રિટનના તમામ કચ્છી મંદિરો, અબજીબાપાની છતરડી, ગાદી સંસ્થાન, એસજીવીપી ગુરુકુળ પરિવાર, ભુજ નરનારાયણદેવ મંદિરનો આશીર્વાદ સહસાથ-સહકાર અને આર્થિક સહયોગ મળ્યો છે. સ્ટીલકાર્ય મોટાભાગે પૂર્ણ થઇ ચૂક્યું છે. કાચ-એલ્યુમિનિયમ સેક્શન પ્રગતિમાં છે. ચાલુ વર્ષે 4 ઓક્ટોબરના વાર્ષિક મેગા મેલા છે. જુલાઇ-2027ના લોકાર્પણનું ધ્યેય રખાયું છે. તે માટે સમગ્ર ટીમ યુ.કે. કોમ્યુનિટીમાં અદકેરો ઉત્સાહ છવાયો છે.

ટીમ સમાજ

પ્રોજેક્ટ મેનેજર-અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા, વિનોદભાઇ ગાજપરિયા, રવિભાઇ વરસાણી, જયેશ હીરાણી, ચંદુભાઇ વરસાણી, હરીશ હાલાઇ, ગોવિંદ ગામી, પ્રકાશ હાલાઇ, પ્રેમજી વરસાણી, કે. કે. જેસાણી (સલાહકાર), અરવિંદ આસાણી, જીતુભાઇ હાલાઇ, દેવજી વેકરિયા, લક્ષ્મણ ભંડેરી, સચિન મેઘાણી સહિત ગામ કમિટી અને સભ્યો સાથ-સહકાર આપી રહ્યા છે. સમગ્ર ટીમ સમાજનો સંકલ્પ છે કે, 2027 ગુલાઇ 30, 31 અને 1 ઓગસ્ટ ત્રિદિવસીય ઉદ્ઘાટન દૂરવર્તી રીતે કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સાંસદ વિનોદભાઇ ચાવડા મારફતે સંપર્ક કરાઇ રહ્યો છે. નોર્થહોલ્ટ ઇન્ડિયા ગાર્ડન પરિસર ઇ.સ. 1972માં સમાજના વડીલોએ ખરીદ્યું હતું, જેમાં વર્તમાન યુવા બ્રિગેડે નિર્ણાયક સર્જન કરી બતાવ્યું છે, જેમાં ચોવીસીનો મોટો સાથ મળ્યો છે.

વિલ્સડન મંદિરની ઐતિહાસિક પહેલ

સામાન્ય રીતે સમાજ નિર્માણમાં માતૃ સંસ્થા નેતૃત્વ લેતી રહી છે, પણ કચ્છી લેવા પટેલોમાં વિશ્વના કોઇ પણ દેશોના સમાજો કરતાં વિશિષ્ટ અને અતિ વિશાળ પ્રોજેક્ટમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત ભગવદજીવન-દાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, ભુજ મંદિરની કમિટીના ઉદાર દિલ સાથે લંડનનું વિલ્સડન સ્વામિનારાયણ મંદિર મોટા સહયોગ સાથે આગળ આવ્યું છે. તાજેતરમાં 51મા પાટોત્સવ નિમિત્તે પ્રમુખ કુંવરજીભાઇ વેકરિયા સમગ્ર કમિટીએ પ્રેરક પહેલ કરી બ્રિટનના અન્ય મંદિરોને સમાજને સાથ આપવા ઉદાહરણ રજૂ કર્યું હતું. અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા, દાતા સામજીભાઇ શિવજી દબાસિયા, શશિકાંતભાઇ વેકરિયાએ આફ્રિકાની મુલાકાત લઇ મૂરજીભાઇ પિંડોરિયા, કાંતિભાઇ નારાણ કેરાઇ, કે. કે. પટેલ સહિતના દાતાઓનું યોગદાન પ્રાપ્ત કર્યું હતું. પુરુષોત્તમ ગામી, દેવશીભાઇ સ્ટેફિક્સ, પંકજભાઇ અને વિજયભાઇ, એવરગ્લેડ રવજીભાઇ, જયેશભાઇ, કાંતિભાઇ, જીતુભાઇ, લક્ષ્મણભાઇ (બર્નટોક), હસુભાઇ ભુડિયા પરિવાર સહિત અનેક નામી-અનામી દાતાઓ, મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, અબજીબાપા છતરડી, ગુરુકુળ પરિવાર જેવી સંસ્થાઓ આગળ આવી છે, તો હજી અનેક દાતાઓએ સહયોગી બનવા તત્પરતા દર્શાવી છે.

Panchang

dd