આશાનંદ ગઢવી દ્વારા : ઝરપરા (તા. મુંદરા), તા. 20 : ધ્રબ, ઝરપરા, ભુજપુર ખારેક પંથક તરીકે જાણીતા વિસ્તારમાં ખારેકની લૂમો (હાથા) વૃક્ષ પરથી ઉતારવા, પેક કરી બજાર સુધી પહોંચાડવાની પ્રવૃત્તિથી આ વિસ્તાર રાત-દિવસ ધમધમે છે. વાહન અને મજૂરોની ખૂબ માંગ છે. ક્યાંક ખેડૂતો પોતે કામે લાગ્યા છે. આ વર્ષે ખારેકના વૃક્ષો પર સારો ફાલ આવ્યો છે, તો વરસાદ ન વરસતાં બધો જ ફાલ બજાર સુધી પહોંચી ચૂક્યો છે. ક્યાંક ઓછા-વધુ ભાવ મળ્યા હશે. છતાં ખેડૂતો ખુશખુશાલ દેખાય છે. થોડા વર્ષોથી ઝરમર વરસાદના કારણે ફાલ સડી જતો હતો. આ વર્ષે હજુ સુધી ફાલ બગડયો નથી અને 80 ટકાથી વધુ ખારેક બજાર સુધી પહોંચી ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વાવાઝોડામાં મોટા વૃક્ષો પડી ગયા પછી ખેડૂતોએ ખારેકની જાત સુધારવા પીલા પદ્ધતિ અને ટિસ્યૂ પદ્ધતિથી રોપા તૈયાર કરી રોપા વાવતાં ખારેકની જાત સારી બની છે, તેથી મીઠી અને લાલ-પીળી ખારેકના ભાવ સારા મળવા લાગ્યા છે. આ વર્ષે ખારેક મુંબઈ સાથે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, ગોંડલ, ધોરાજી, જેતપુર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી વગેરે સ્થળે જઈ રહી છે. સાથે અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ગુજરાત બહારના લોકો પણ ખારેક ખાતા થઈ ગયા છે.