ગાંધીધામ, તા.
20 : શહેરના સુભાષનગર, રમતગમત સંકુલ મેદાન પાછળ એક કારમાંથી પોલીસે
રૂા. 2,78,040ના શરાબ સાથે શખ્સને પકડી
પાડયો હતો. મોકલનારનું નામ બહાર આવ્યું હતું જ્યારે કોને આપવાનો છે તે બહાર આવ્યું
નથી.
શહેરની સ્થાનિક પોલીસ આજે વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી દરમ્યાન
એક કાર રાજવી ફાટકથી ઓમ સિનેમા બાજુ આવવાની છે જેમાં દારૂ હોવાની પૂર્વ બાતમી મળતાં
પોલીસે ઓમ સિનેમા નજીક આડશ સાથે વોચ ગોઠવી હતી. તેવામાં આ કાર આવતાં તેને રોકાવવાની
કોશિશ કરતાં કારચાલકે ગાડી સુભાષનગર બાજુ વાળી આગળ હંકારી દીધી હતી. પોલીસે આ કારનો
પીછો કરી તેને રમતગમત સંકુલ મેદાન પાછળના ભાગે પકડી પાડી હતી. આ કારમાં દારૂની પેટીઓ
જણાતાં ચાલક નગીન દિનેશ સુથાર (રહે. ગેનાજી ગોળિયા,
બનાસકાંઠા) નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ કાર નંબર જી.જે.-08- એફ.એ. -9745ને પોલીસ મથકે લઇ જઇ તેમાંથી
ગ્રીન લેબલના 180 મિ.લિ.ના 1440 કવાર્ટરિયા, એન્ટિકયુટીના 144 કવાર્ટરિયા, મેજિક મોમેન્ટસના 96 કવાર્ટરિયા,
સિગ્નેચર રેર એન્ડ વ્હીસ્કીની 750 મિ.લિ.ની 24 બોટલ એમ કુલ્લ રૂા. 2,78,040નો શરાબ હસ્તગત કરાયો હતો. ફોર સેવ ઇન રાજસ્થાન
ઓન્લી લખેલો આ દારૂ ગેનજી ગોળિયાના મુકેશ શંકરજી સુથારએ મોકલાવ્યો હતો અને ગાંધીધામ
પહોંચ્યા બાદ કોને આપવાનો હતો તે અંગે ફોન કરવાનો હતો. આ કાર્યવાહીમાં દારૂ લેનાર કોણ
હતો તે બહાર આવ્યું નથી જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.