નવી દિલ્હી, તા. 2 : ભારતના આશરે
રૂા. 30,000 કરોડનાં વર્તમાન મૂલ્ય ધરાવતા
અને વર્ષ 2035 સુધીમાં રૂા. 60,000 કરોડે પહોંચવાની ક્ષમતા ધરાવતા
પ્લાસ્ટિક રિસાઈક્લિંગ ઉદ્યોગને વધુ વેગ આપવા માટે એક ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ઓલ
ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (એઈપ્મા) દ્વારા 2થી 5 જુલાઈ, 2026 દરમિયાન નવી દિલ્હીમાં ભારત
મંડપમ્ ખાતે `ગ્લોબલ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન ઓન પ્લાસ્ટિક
રિસાઈક્લિંગ એન્ડ સસ્ટેનેબિલિટી' (જીસીપીઆરએસ-2026)ની ત્રીજી આવૃત્તિ યોજાઇ રહી
છે. 80 વર્ષ જૂની અગ્રણી સંસ્થા (એઇપ્મા)ના
પ્રમુખ સુનીલ શાહ અને ગ્લોબલ કોન્ફરન્સના ચેરમેન અરાવિંદ મહેતાનાં વિઝન હેઠળ યોજાઈ
રહેલો આ ચાર દિવસીય કાર્યક્રમ એશિયામાં પ્લાસ્ટિક રિસાઈક્લિંગ અને સસ્ટેનેબિલિટીનાં
ક્ષેત્રનું સૌથી મોટું પ્રદર્શન હોવાનું જીસીપીઆરએસના પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ શાહે જણાવ્યું
હતું. એઈપ્માની ગવર્નિંગ કાઉન્સિલ તેમજ જીસીપીઆરએસના ચેરમેન અરાવિંદ મહેતાએ જણાવ્યું
કે, આ મેગા ઈવેન્ટને કેન્દ્ર સરકારના રસાયણ અને
પ્રવાહી નિયંત્રણ મંત્રાલય, પર્યાવરણ, વન
અને આબોહવા પરિવર્તન મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય,
નીતિ આયોગ તેમજ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયનો સંપૂર્ણ સહયોગ અને
માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં વિશ્વના
12 દેશમાંથી 200થી વધુ પ્રદર્શનકર્તાઓ ભાગ
લઇ રહ્યા છે. જીસીપીઆરએસ 2026ને સંપૂર્ણપણે
`ઝીરો વેસ્ટ ઈવેન્ટ' તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના `સ્વચ્છ ભારત મિશન' અને `િવકસિત ભારત
2047'નાં વિઝનને અનુરૂપ છે. એઇપ્માની
એન્વાયર્નમેન્ટ કમિટીના ચેરમેન હિતેન ભેડાએ જણાવ્યું કે, આ ઈવેન્ટના મુખ્ય આકર્ષણોમાં નવતર સ્ટાર્ટઅપ્સને
પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત `સાયન્સ એન્ડ ટેક્નોલોજી ક્લસ્ટર' અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ભાગીદારીવાળું
બે દિવસીય `સસ્ટેનેબિલિટી
ફોરમ' સામેલ છે.
આ ઉપરાંત, એક વિશિષ્ટ `સીઈઓ રાઉન્ડટેબલ' બેઠકનું પણ આયોજન કરાયું છે.