• શુક્રવાર, 03 જુલાઈ, 2026

સેડાતા-ભારાપરની જુગાર ક્લબ પર રાજ્ય પોલીસની તવાઇ

ભુજ, તા. 2 : બુધવારે રાતે રાજ્ય સ્તરની પોલીસ ટુકડીએ સેડાતા અને ભારાપર વચ્ચે ધમધમતી મોટી જુગાર ક્લબ પર સપાટો બોલાવી રૂા. 9,36,480ની રોકડ સહિત રૂા. 45,27,080ના મુદ્દામાલ સાથે સાતને ઝડપી લીધા હતા, જ્યારે ઝડપાયેલાં વાહનના માલિક-ચાલક ફરાર હોવાથી તેને ઝડપવા ચક્રો ગતિમાન થયાં છે. હાલ નાસ્યાનો આંક 10 દર્શાવાયો છે, પરંતુ ફરારનો આંક તથા રકમનો આંક મોટો હોવાનો ગણગણાટ પણ સામે આવ્યો છે. આ ઉપરાંત આટલી મોટી જુગાર ક્લબ ધમધમતી હોવા છતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતાં તર્ક-વિતર્ક શરૂ થયા છે. આ અંગે એસએમસીએ જાહેર કરેલી વિગતો તથા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગઇકાલે રાતે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, સેડાતા અને ભારાપર ગામની વચ્ચે જંગલ વિસ્તારમાં મોટી જુગાર ક્લબ ધમધમી રહી છે અને પચાસેકથી વધુ ખેલીઓ દાવ ખેલી રહ્યા છે. આથી તૈયારી સાથે એસએમસીની ટીમ ત્રાટકી હતી, પરંતુ અનેક ખેલીઓ નાસી છૂટયાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. બીજી તરફ એસએમસીએ સત્તાવાર રીતે જાહેર કરેલી વિગતો મુજબ આ જુગાર ક્લબનો મુખ્ય સૂત્રધાર અંજારનો અબ્બાસ ઇબ્રાહીમ શેખ હતો. તે તથા ભાગીદાર મનીષ હીરાલાલ રાજગોર (રહે. આશાપુરાનગર ભુજ)ને ફરાર જાહેર કરાયા છે, જ્યારે અન્ય ભાગીદાર જુસબશા જમનશા શેખ (રહે. શેખટીંબો, અંજાર) તથા ભીમજીભાઇ વાલજીભાઇ વાણિયા (રહે. આદિપુર), ધનજી પબુભાઇ ગોલકર (રહે. પીપાવાવ, તા. સાંતલપુર, જિ. પાટણ), મહેબૂબ સતારભાઇ બાયડ (રહે. ભુજ), મુરાદ અલ્લારખા મીર (રહે. લાકડિયા, તા. ભચાઉ), જુસબ ઇબ્રાહીમ સમેજા (અંજાર) અને મોહન કરશનજી રાજગોર (રહે. આશાપુરાનગર, ભુજ)ને તેની એક્ટિવા જી.જે.-12-સી.એલ.-5768 સાથે ઝડપી લેવાયા હતા. બીજી તરફ આ દરોડામાં મુખ્ય સૂત્રધાર અબ્બાસ તથા ભાગીદાર મનીષને તેમજ દરોડામાં જપ્ત થાર ગાડી નં. જી.જે. - 18 - ઇઇ - 0070નો ચાલક ભાવિન અને ત્રણ ટ્રેક્સ ગાડી નં. જી.જે.-12-એ.વી.- 0494, જી.જે.-12- એફએફ-0553, જી.જે.-03- ઝેડ-9848 તેમજ બોલેરો કેમ્પર નં. જી.જે.-12-એઝેડ-7336 તથા ત્રણ બાઇક નં. જી.જે.-12- ઇએલ-6765, જી.જે.-12- ઇપી-8173 અને જી.જે.-12- ઇબી-7181ના ચાલકોને ફરાર  જાહેર કરાયા છે. આ દરોડામાં રોકડ રૂા. 9,36,480 સાથે પાંચ ફોરવ્હીલ ગાડી અને ત્રણ મોટરસાઇકલ અને એક એક્ટિવા એમ કુલ નવ વાહન જેની કિં. રૂા. 32,80,000 તથા નવ મોબાઇલ જેની કિં. રૂા. 2,95,000 તેમજ રૂા. 15,600નો અન્ય મુદ્દામાલ એમ કુલે રૂા. 45,27,080નો મુદ્દામાલ જપ્ત કરી માનકૂવા પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો. અત્રે નોંધનીય છે કે, એસએમસીના મોટા દરોડા બાદ સ્થાનિક પોલીસ ઉપર ખાતાંકીય કાર્યવાહીનો સિરસ્તો છે. હવે જોવાનું એ રહે છે કે, આ દરોડાનાં પગલે કોના-કોના ઉપર તવાઇ આવે છે કે, વધુ સમુસૂતરું પાર પડે છે. - ભાગેડુઓનો આંક મોટો હોવાની પૂરી સંભાવના : આ દરોડામાં પાંચ તો મોટી ફોરવ્હીલ ગાડી ઝડપાઇ છે, જેમાં ત્રણ તો ટ્રેક્સ છે. આ મોટાં વાહનોની સંખ્યા જોઇને જ સ્પષ્ટ જણાય છે કે, ભાગેડુઓનો આંક મોટો જ હોઇ શકે છે. બીજી તરફ જુગાર ક્લબ મોટી હોવાથી રોકડ આંક પણ મોટો હોવાનો ગણગણાટ સામે આવ્યો છે. - દરોડાના ખબર મળતાં જ અન્ય ક્લબના પડ ઊઠયા : દરમ્યાન અંતરંગ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ ક્લબ ઉપર એસએમસી ત્રાટકી હોવાના રાતે સમાચાર વહેતા થતાં અનેક ક્લબના પડ ઊઠી ગયા હતા અને સૂત્રધારો  તથા ખેલી ઘેરભેગા થઈ ગયા હતા. - માનકૂવા પોલીસ પર ઉચ્ચ પોલીસની ગાજ વરસી : ફરજમોકૂફની કાર્યવાહી : ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલનો રાજ્યમાં જ્યાં-જ્યાં મોટો દરોડો પડે છે ત્યારે સિરસ્તા મુજબ સ્થાનિક પોલીસ પર ખાતાકીય કાર્યવાહી થતી હોય છે, ત્યારે આ મોટી જુગાર ક્લબ ઝડપાતાં આઇ.જી. ચિરાગ કોરડિયાએ માનકૂવાના પી.આઇ. કુલદીપ એમ. ગઢવીને, જ્યારે પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ બનાવવાળા સ્થળના કેરા આઉટપોસ્ટના ઇન્ચાર્જ એ.એસ.આઇ. જયંતીભાઇ મહેશ્વરી અને સર્વેલન્સ સ્કવોડ (ડી-સ્ટાફ)ના ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કર્યાનું જાહેર થયું છે.

Panchang

dd