• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ભારત-જાપાન વચ્ચે સંરક્ષણથી સ્વાસ્થ્ય સુધીના કરાર

નવી દિલ્હી, તા. 2 : આવતાં વર્ષે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરાં થવાની વિશેષ ઉજવણી કરનાર ભારત અને જાપાન વચ્ચે ગુરુવારે સંરક્ષણથી માંડીને સ્વાસ્થ્ય, ઊર્જાથી માંડીને આર્થિક સુરક્ષા સહિત મહત્ત્વના `સહકાર કરાર' કરીને આગોતરી ઊજવણી કરાઈ હતી. જાપાનના સહયોગથી દેશમાં એક હજાર બાયોગેસ અને કુદરતી ખાતરના પ્લાન્ટ ઊભા કરાશે, તો જાપાન આવનારાં 10 વર્ષ દરમ્યાન ભારતમાં 10 લાખ કરોડ યેન એટલે કે લગભગ છ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ભારતના પ્રથમ પ્રવાસે આવેલાં જાપાનનાં પ્રથમ મહિલા વડાપ્રધાન સાનાએ તાકાઈચીને પોતાના `નાનાં બહેન' કહીને સ્વાગત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તાકાઈચી સાથે વાતચીત કરી હતી. બન્ને નેતાઓની હાજરીમાં બે દેશના પ્રતિનિધિઓ વચ્ચે સંરક્ષણ, ઊર્જા, એઆઈ સહિત મહત્ત્વનાં ક્ષેત્રોમાં કરારો થયા હતા. નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં મોદી અને તાકાઈચીની હાજરીમાં અનેક મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન (એમઓસી) એટલે કે, સહકારના કરાર થયા હતા. આ કરારોનો હેતુ સંરક્ષણ, ઊર્જા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), ટેકનિક, ટેકનોલોજી અને અન્ય રણનીતિક ક્ષેત્રોમાં સહયોગ વધારે મજબૂત કરવાનો હતો. બન્ને દેશોએ સંરક્ષણ સહયોગ વધુ ગહન બનાવવા, સ્વચ્છ ઊર્જા, સેમિકન્ડકટર, ડિજિટલ ટેકનોલોજી સહિત નવી ટેકનિકમાં ભાગીદારી વધારવા પર સહમતી બતાવી હતી. મોદીએ કહ્યું હતું કે, ભારત અને જાપાને આર્થિક સુરક્ષાનો નવો રોડમેપ તૈયાર કર્યો છે, જેના હેઠળ ક્વાન્ટમ ટેકનોલોજી, એડવાન્સ મટેરિયલ્સ અને પુરવઠા સાંકળને મજબૂત કરાશે. ભારત-જાપાન બાયોગેસ પહેલ હેઠળ ભારતમાં એક હજાર બાયોગેસ અને સજીવ ખાતર પ્લાન્ટ લગાવાશે, જેનાથી ગોબર ધન યોજના અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. બન્ને દેશે તેલસંકટ જેવા પડકારો સામે લડવા માટે નવી પહેલ શરૂ કરી છે. ભારત અને જાપાન બેટરી ગ્રીન હાઈડ્રોજન, પરમાણુ ઊર્જાનાં ક્ષેત્રોમાં સહયોગ વધારાશે. બેય નેતાએ રોકાણ, રક્ષા, સ્ટાર્ટઅપ, સંશોધન અને ઈન્ડોપેસિફિક સહયોગ વધારવા પર પણ સહમતી બતાવી હતી. મોદીએ કહ્યું હતું કે, આગામી વર્ષે ભારત અને જાપાનના રાજદ્વારી સંબંધોને 75 વર્ષે પૂરાં થશે, જેની બન્ને દેશ વિશેષ ઉજવણી કરશે. બીજી તરફ જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચીએ પણ મોદીને પોતાના મોટા ભાઈ લેખાવતાં કહ્યું હતું કે, જાપાનની `મુક્ત અને ખુલ્લા ઈન્ડોપેસિફિકની નીતિ' અને ભારતની મહાસાગર પહેલ એકમેકની પૂરક છે. એ જ કારણે બન્ને દેશોએ સમુદ્રી સુરક્ષા સહયોગ વધારવાનો પણ ફેંસલો કર્યો છે, તેવું તાકાઈચીએ કહ્યું હતું.  

Panchang

dd