ભુજ, તા. 2 : કચ્છમાં થોડા સમય પહેલાં મહેસૂલી
તલાટીઓની જિલ્લા બહાર બદલી થતાં ખાલી પડેલી જગ્યાઓ પર આજે સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં
પણ કલેક્ટરના હસ્તે નિમણૂકપત્ર આપવામાં આવ્યા હતા. કલેક્ટર અનિલ રાણાવસિયાએ માહિતી
આપતાં જણાવ્યું હતું કે, કચ્છને રેવેન્યૂ
તલાટી ફાળવાયા બાદ આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે
સાત કર્મચારીને ભરતીના હુકમ આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, કચ્છમાં 130ની ફાળવણી
થઇ છે, પરંતુ 121 તલાટી હાજર થતાં આજે કલેક્ટર
કચેરી ખાતે નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા. બાકીના અહીંથી વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા
હતા. આ સમયે અધિક કલેક્ટર પાર્થ કોટડિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કચ્છમાં મહેસૂલી
તલાટીઓની 191 જગ્યા મંજૂર થયેલી છે, જેમાં અત્યાર સુધી માત્ર 59 ભરાયેલી હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં મહેસૂલી કામોમાં
મોટી મુશ્કેલી થતી હતી. આ સમસ્યાને નિવારવા નવી ભરતી તલાટીઓની કરવામાં આવી છે. અત્યારે
રૂા. 26,500ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં
આવી છે. આજે 121ની ભરતી થતાં હવે માત્ર 10 જ જગ્યા ખાલી ગણાશે તેવું જણાવાયું
હતું.