• શનિવાર, 04 જુલાઈ, 2026

ડિજિટલ યુગમાંયે `ભણતરના ભાર' નીચે દબાતા માસૂમ બાળકો

હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 2 : આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા એટલી જડ છે કે, સરકાર કે કમિટીઓ ગમે તેટલા પોતાના અહેવાલો સોંપે તોય આજના ડિજિટલ યુગમાં પણ કચ્છની અનેક ખાનગી  અને ગ્રાન્ટેડ શાળાઓમાં દરરોજ સવારે પાંચથી બાર વર્ષની ઉંમરના માસૂમ બાળકો પોતાના વજન જેટલો જ `સ્કૂલ બેગ' રૂપી ચોપડાનો અસહ્ય ભાર પોતાના ખભે ઊંચકીને  `ભણતરના ભાર' નીચે દબાતા જોવા મળે છે. `ભણતર ભારરૂપ' ન હોવું જોઈએ તેવા સુપ્રીમ કોર્ટના આદેશ અને શિક્ષણવિદ્ના મત બાદ કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018માં કરેલા પરિપત્ર મુજબ બાળકોના દફતરનું વજન તેના વજનના દસમા ભાગથી વધવું જોઈએ નહીં, તેમ છતાં કચ્છની અનેક ખાનગી તેમજ અનુદાનિત શાળાઓ પોતાનું સ્ટેટસ જાળવવા  અભ્યાસક્રમ સિવાયના સ્વાધ્યાય પોથી, ચિત્રપોથી, પ્રયોગપોથી, નકશાપોથી, સુલેખન બુક, ગૃહકાર્યની અલગ બુક, ફોરલાઈન બુકો, ગણિત નોટબુકો જેવા અનેક પુસ્તકો ફરજિયાત લાવવાનો આગ્રહ રાખી રહી છે. સરકારે દરેક શાળાઓને એવી રીતે સમયપત્રક ગોઠવવા જણાવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને તમામ વિષયોની સામગ્રી લાવવી ન પડે તેમ છતાં અમુક શાળાઓ પોતાની રીતે સાતથી આઠ વિષય પ્રમાણે સમયપત્રક બનાવતી હોવાથી બાળકોને ફરજિયાત તમામ પુસ્તકો લઈ આવવા પડે છે. સરકાર દ્વારા માર્ગદર્શિકા પ્રમાણે દરેક શાળાએ બાળકો માટે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવું જેથી બાળકોને ઘેરથી બોટલ લઈ આવવી ન પડે, પરંતુ અમુક સ્થળે પીવાનું પાણી શુદ્ધ ન હોવાના કારણે બાળકો ઘેરથી બોટલ લઈ આવે છે, જે પણ વજન વધારે છે. દફતરના વધુ પડતા ભારના કારણે બાળકોમાં પીઠનો  દુ:ખાવો, સ્નાયુઓ જકડાઈ જવા, માનસિક તણાવ, મણકાનો  ઘસારો, ડોકનો દુ:ખાવો જેવી અનેક બીમારી આવી શકે છે અને તેની વિપરિત અસર બાળકના વિકાસ અને વૃદ્ધિ પર થઈ શકે છે. આવી સ્થિતિમાં તબીબોના અભિપ્રાય મુજબ દફતરનું વજન બાળકના વજનથી દસમા ભાગનું એટલે કે 10 ટકા કે તેથી ઓછું હોવું જોઈએ. દફતરનો ભાર ઓછું કરવા ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018માં કેટલાક ઠરાવ પણ કર્યા છે, જેમાં દફતરનું વજન બાળકના વજનના 10મા ભાગથી વધવું ન જોઈએ, નિયત થયેલ શૈક્ષણિક સત્તામંડળ દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રિન્ટેડ સામગ્રીનો ઉપયોગ કરવો, વિદ્યાર્થીઓને તમામ વિષયની સામગ્રી લઈ આવવી ન પડે તે મુજબ સમયપત્રક ગોઠવવો, ધોરણ 1 2ના બાળકોને કોઈપણ પ્રકારનું ગૃહકાર્ય ન આપવું, જ્યારે ધોરણ 3થી 5ના બાળકોને અડધો કલાક તથા ધોરણ 6થી 8ના બાળકોને એક કલાકનું ગૃહકાર્ય આપવાનો નિયમ બનાવ્યો છે, તેમ છતાં કેટલીક શાળાઓ આ નિયમોને ઘોળીને પી જતી હોવાનો આક્ષેપ કેટલાક વાલીઓમાંથી ઊઠી રહ્યો છે. શાળાઓમાં ખાનગી પ્રકાશનોના સાહિત્યનો કોઈપણ પ્રકારે ઉપયોગ ન કરી શકાય તેવો પરિપત્ર થયો છે અને માત્ર સરકાર માન્ય પાઠય પુસ્તકનો જ  ઉપયોગ કરી શકાશે, તેમ છતાં અનેક શાળાઓ આ નિયમોનું સરેઆમ ભંગ કરી રહી છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં `બેગલેસ ડે'ની પરિકલ્પના પણ ભાર વગરના ભણતરને પ્રોત્સાહિત કરે છે, જેમાં હાલ સરકારી શાળાઓમાં તો તેનો અમલ થાય છે, પરંતુ ખાનગી શાળાઓમાં શરૂઆતમાં આવી ઉજવણી થતી હતી જે ધીમેધીમે ભુલાતી ગઈ છે, જેના તરફ પણ શિક્ષણ તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે. બીજીતરફ આ તમામ આદેશનું પાલન કરાવવાનું અને દરેક શાળામાં જઈને બાળકો અને તેના દફતરનું વજન કરવાની જેની જવાબદારી છે તેવું શિક્ષણ તંત્ર સ્ટાફ ન હોવાનું રટણ કરી ખાનગી શાળાઓ પ્રત્યે આંખ આડા કાન કરતી હોવાનો તાલ સર્જાય છે જેથી ખાનગી શાળાઓ બેફામ બની છે. તો હજારો અને લાખોની વાર્ષિક ફી ભરતા વાલીઓએ પણ જાગૃત થઈ અવાજ ઉઠાવવો જોઈએ તેવો મત શિક્ષણ વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. દરમ્યાન આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો જેમની પાસે ચાર્જ છે તેવા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, આવી ગંભીર બાબતે ખાનગી શાળાઓ સહિતની આકસ્મિક મુલાકાત લઈ ચેકિંગ હાથ ધરાશે જો શાળા કસૂરવાર ઠરશે તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો `ભાર વિનાના ભણતર' જેવા શબ્દોના પરિપત્રો સરકારી કબાટોમાં ધૂળ ખાઈ રહ્યા છે, જોઈએ હવે આ ધૂળ કયારે ખંખેરાય છે. 

Panchang

dd