• શનિવાર, 04 જુલાઈ, 2026

ગાંધીધામ સંકુલમાં મેઘરાજાનાં આગમનથી આનંદ

ગાંધીધામ, તા. 2 : ગાંધીધામ સંકુલમાં અસહ્ય ઉકળાટ વચ્ચે બપોર બાદ અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યા બાદ પ્રથમ આદિપુરમાં  ભારે   વરસાદી ઝાપટું પડ્યા પછી ગાંધીધામમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. સરકારી ચોપડા ઉપર 4 એમ.એમ. વરસાદ નોંધાયો છે, પરંતુ ઝાપટાંથી માર્ગો ઉપર સામાન્ય પાણી વહેવાં લાગ્યાં હતાં. સિઝનનો પ્રથમ વરસાદ હોવાથી લોકોએ પણ થોડો આનંદ માણ્યો હતો  તેમજ અંજાર  શહેર અને તાલુકામાં પણ ધીમી ધારે આગમન બાદ ભારે ઝાપટું વરસતાં માર્ગો ઉપર પાણી વહી નીકળ્યાં હતાં. ગાંધીધામ સંકુલમાં સામાન્ય વરસાદમાં પણ મહાનગરપાલિકાની કામગીરી છતી થઈ છે. જો કે, વરસાદી ઝાપટાંમાં પાણી નિકાલના નાળાંઓનું ટેસ્ટિંગ થયું નથી, પરંતુ આંતરિક માર્ગોમાં પાણી ભરાયાં છે. ઘણા વિસ્તારોમાં લોકોનાં ઘરની આગળ જ પાણી ભરાયેલાં છે. સાઉથમાં તેમજ શિવાજી પાર્ક બગીચા પાસે વરસાદી નાળું હોવા છતાં તેમાં પાણીનો નિકાલ થયો નથી અને માર્ગ ઉપર ભરાયેલું છે આવું અનેક વિસ્તારોમાં છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ સ્થિતિ સુધરવાના બદલે વધુ વિકટ બને તેવી વકી છે. વરસાદી ઝાપટાંથી ગરમીથી થોડી આંશિક રાહત મળી છે. શિવાજી પાર્ક, જૂની કોર્ટ રોડ, મુખ્ય બજાર, ભારતનગર તેમજ આદિપુરના અલગ-અલગ વિસ્તારોમાં માર્ગોના અધૂરાં કામો લોકો માટે મુસીબત બને તેવી સ્થિતિ છે. બીજી તરફ પીજીવીસીએલ અને જીયુડીસી દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે તેમાં ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર   નિષ્ફળ છે. ખાસ કરીને તેના એન્જિનીયારિંગ વિભાગની બેદરકારીનાં કારણે શહેરની સ્થિતિ સુધરવાના બદલે વધુને વધુ વણસી રહી છે, તેનું પરિણામ લોકોને ભોગવવું પડી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર  લોકોને કનડતી સમસ્યાઓના સમાધાન માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરે તેવી માંગ લોકો કરી રહ્યા છે. હાલના એન્જિનીયારિંગ વિભાગના કારણે રૂપિયાનો વેડફાટો થાય છે, પરંતુ પરિણામ મળતું નથી જેના કારણે સામાન્ય વરસાદમાં પણ આદિપુર અને ગાંધીધામના અલગ-અલગ વિસ્તારોમાં માર્ગો ઉપર પાણી ભરાયેલાં છે  દરમ્યાન અંજાર વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતાં તીવ્ર વરસાદની સંભાવના જોવા મળી હતી, ગુરુવારે  સવારથી જ ભારે ગરમી બાદ બપોરના વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, ધીમે ધારે વરસાદ વરસતાં માર્ગો ભીંજાયા હતા. સાંજે 5 કલાકની આસપાસ સારા વરસાદી ઝાપટાંને પગલે રસ્તાઓ પર ધીમીધારે પાણી વહ્યાં હતાં અને ઝરમર વરસાદનાં પગલે વાતાવરણમાં પણ આંશિક ઠંડક પ્રસરી હતી, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની હેલીથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી હતી. ખેડૂતોમાં વાવણીલાયક વરસાદથી સારા પાકની અપેક્ષા જોવા મળી રહી છે. - આડેસરમાં વરસાદી માહોલ : રાપર તાલુકાનાં આડેસરમાં સાંજના પાંચ વાગ્યાથી વરસાદી માહોલ સર્જાયો છે. જગતનો તાત  વરસાદની રાહ જોઈ રહ્યો છે. હાલ વરસાદી મોસમ હોવા છતાં વરસાદ ન થતાં ખેડૂતોના જીવ તાળવે ચેંટી ગયા છે. ગુરુવારે સાંજે  આ માહોલ અને વરસાદનાં અમીછાંટણાએ આ વિસ્તારના ખેડૂતોમાં આશા જન્માવી હોવાનું અમારા આડેસરના પ્રતિનિધિ ખેંગાર પરમારે જણાવ્યું હતું

Panchang

dd