નખત્રાણા, તા. 5 : અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા
નખત્રાણામાં હવે જૂના કૂવા-ખાળકૂવા અચાનક ધસી પડી તેમાં ભૂવા પડતાં અચાનક સર્જાતા અકસ્માતો
ચિંતાજનક બન્યા હતા. આ ઘટનાઓ જીવલેણ બને તે પૂર્વે તંત્ર દ્વારા ગામ વિસ્તારમાં અગાઉના
બનેલા કૂવા -ખાળકૂવાની તપાસ કરી તેને દાટી નાખવાની કાર્યવાહી કરવાની માંગ ઊઠી હતી.
તાજેતરમાં નખત્રાણાના વથાણચોક વિસ્તારમાં આવેલ ખેતરપાળ દાદાના મંદિર નજીકની રાજવી હોસ્પિટલ
પાસેના રસ્તામાં ફળિયાવાસીઓ દ્વારા બનાવવામાં આવેલ જૂના ખાળકૂવા ઉપરથી બાઇક પસાર થતાં
મોટી વિરાણીના દીપેન જેન્તીભાઇ સોની ખાળકૂવા ઉપરની જર્જરિત થઇ ગયેલી છત અચાનક ધરાશાયી
થતાં (ભૂવો પડતાં) બાઇક સહિત 17 ફૂટ ખાડામાં
પટકાયો હતો. ઘટનાના પગલે આજુબાજુથી લોકો દોડી આવી ખાડામાં પડેલા યુવાનને બચાવવા તજવીજ
હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં તાજેતરની પાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા જાગૃતિબેન પલણ
ઘટનાસ્થળે આવી નગરપાલિકાના શ્રમિક કર્મીઓને બોલાવી સ્થાનિક સેવાભાવી લોકોના સહકારથી
યુવાનને સુરક્ષિત બહાર કાઢ્યો હતો તથા બાઇકને દોરડાથી ખેંચી બહાર કાઢી હતી. ઘટનાનો
ભોગ બનેલા યુવાન દીપેનની આ સ્થળે સોના-ચાંદી કારીગર કામની દુકાન તેમના પિતા જેન્તીલાલ
ચંદુલાલ સોની (વિરાણીવાળા) ચલાવે છે. તેમણે નુકસાનીની ચિંતા ન કરતાં પુત્ર હેમખેમ બચ્યા
બદલ કુદરતનો આભાર માન્યો હતો.