• શનિવાર, 20 જૂન, 2026

જન્મ-મરણ નોંધણીના કેસોમાં માનવીય અભિગમ સાથે ઝડપી નિકાલની માગણી

અંજાર, તા. 19 : છેલ્લા લાંબા સમયથી જન્મ અને મરણ નોંધણીના કેસમાં જડતાભર્યું વલણ ત્યજીને  માનવીય અભિગમ સાથે  ઝડપી નિકાલ કરવા સહિતના મુદ્દે અંજાર વકીલ મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવી અરજદારોની વ્યથા ઠાલવી હતી. અંજાર બાર પ્રમુખ  યશ પોટા અને મંત્રી હિમાંશુ  પુરોહિતે  અંજાર મામલતદારને આવેદનપત્ર પાઠવતાં જણાવ્યું હતું કેજન્મ મરણ નોંધણીના કેસોમાં  સંવેદનશીલતા રાખીને લોકોની સાચી માગણી સામે યોગ્ય કાયદાકીય વલણ અપનાવવાને બદલે  ટેકનિકાલિટી  અને જડતા રાખવામાં આવે છે. વર્ષો પહેલાંના જન્મ મરણના કિસ્સામાં શકય ન હોય તે પ્રકારના પુરાવાની અપેક્ષા અને માગણી કરવામાં આવે છે. જન્મ મરણના પ્રમાણપત્રની જરૂરિયાત મોટાભાગે સમયને આધારિત સંવેદનશીલ મુદ્દો છે. અબલત્ત આ કિસ્સામાં અતિશય સમયના વિલંબ કરવામાં આવે છે.  આ હકુમત જ્યારે કોર્ટ પાસે હતી તે સમયે ઝડપી ન્યાય પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. જ્યારેથી રેવન્યૂતંત્રને  આ અંગે સત્તા હકૂમત કરવામાં આવી ત્યારથી  પક્ષકારો અને તેના  પ્રતિનિધિ તરીકે આવતા ધારાશાત્રીઓને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. ભુતકાળના સમયમાં ધારાશાત્રી સહિતનાઓ દ્વારા આ અંગે  વખતોવખત રજૂઆતો કરવા છતાં  આ અંગે હકારાત્મક ઉકેલ આવ્યો નથી. બાર એસોસીએશને જન્મ-મરણ નોંધણીના કેસમાં તાત્કાલિક અને નક્કર અને અસરકારક અને લોકલક્ષી પગલાં લેવા અને કાયદાએ આપેલી હકૂમતને યોગ્ય અને વિવેકાધિન રીતે પ્રયોગ કરી અરજદારોને ઝડપી ન્યાય આપવા ભાર મુકાયો હતો.  આ મુશ્કેલી  નહીં ઉકેલાય, તો  આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારી તથા ગુજરાત હાઈકોર્ટ સહિતના યોગ્ય કાનૂની ફોરમમાં જઈ કાનૂની પગલાં લેવાની ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી હતી. આ વેળાએ  મોટીસંખ્યામાં ધારાશાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

Panchang

dd