• શનિવાર, 20 જૂન, 2026

પુસ્તક મેળાને વાંચનરસિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો

ભુજ, તા. 19 : કચ્છની અગ્રણી સ્વૈચ્છિક સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયૂટ દ્વારા કચ્છમિત્રના મીડિયા પાર્ટનરના સહયોગથી આયોજિત એકસોમા પુસ્તક મેળાને પુસ્તકરસિકોનો બહોળો પ્રતિસાદ સાંપડયો છે. બે દિવસમાં સાત લાખની કિંમતનાં પુસ્તકોનું વેચાણ થયું છે. શનિવારે જ્ઞાનના ભંડાર સમાન આ પુસ્તક મેળાનો અંતિમ દિવસ છે, ત્યારે વાંચનરસિકો પોતાના જ્ઞાનની ભૂખ ભાંગવા માટે મોટી સંખ્યામાં પુસ્તક મેળાની મુલાકાત લે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે. રસિક કતિરા પાર્ટીપ્લોટ ખાતે વીઆરટીઆઈ આયોજિત પુસ્તક મેળામાં બે દિવસ દરમ્યાન પુસ્તકપ્રેમીઓનું પૂર ઊમટયું હોય તેમ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડતો દેખાઈ રહ્યો છે. પચાસ ટકાના વળતર સાથે ગુજરાત તેમજ રાજ્ય બહારના પ્રકાશકોનાં પુસ્તકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનાં પુસ્તકોની વિશાળ શ્રેણી આ મેળામાં મુકાઈ છે. વીઆરટીઆઈની ખાસ યોજના અંતર્ગત 2500ની પુસ્તક ખરીદીમાં 5000નાં પુસ્તકો અપાય જ છે. તેની સાથે બે હજારનાં અન્ય પુસ્તકો ભેટમાં અપાય છે. એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ, નવનીત ફાઉન્ડેશન-મુંબઈ, બિદડા ઈન્ટરનેશનલ ફાઉન્ડેશ, કાકુભાઈ ચત્રભુજ રંગવાલા ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રવીણ વીરા-મુંબઈ, નારાણ ચૌહાણ - દુજાપર, ડુંગરશી ટોકરશી વિરમાણીનો સહયોગ સાંપડયો છે. વીઆરટીઆઈના ગોરધન પટેલ `કવિભાઈ'એ કહ્યું કે, બે દિવસમાં હજારો લોકોએ  આ પુસ્તક  મેળાની મુલાકાત લઈ સાત લાખનાં પુસ્તક ખરીદ્યાં છે. 50થી વધુ શાળા તેમજ લાયબ્રેરીઓએ પણ પુસ્તકોની ખરીદી કરી છે. 

Panchang

dd