નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે
એક ઐતિહાસિક ચુકાદામાં ફૂટપાથ ઉપર ચાલવાના અધિકારને બંધારણ હેઠળ એક મૌલિક અધિકાર ઘોષિત
કર્યો છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ એએસ ચંદુરકરની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું
કે ફૂટપાથ ઉપર ચાલવાનો હક, સડકો ઉપર મોટર
વાહનોની અવરજવરથી વધારે મહત્વપૂર્ણ છે. સુપ્રીમ
કોર્ટના અનુસાર, ફૂટપાથ ઉપર ચાલવાનો અધિકાર સંવિધાનના અનુચ્છેદ
19(1)(ડી)- દેશમાં ક્યાંય પણ સ્વતંત્ર
રીતે ફરવાની આઝાદી અને અનુચ્છેદ 21- જીવન અને
વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર હેઠળ પુરી રીતે સંરક્ષિત છે. પીઠે સ્પષ્ટ કર્યું હતું કે જો સડક હોય તો ચાલવા
માટે એક ફૂટપાથ અને તેની સંભાળ થાય તે સુનિશ્ચિત કરવું એક કર્તવ્ય હોવું જોઈએ. આ એક
લાગુ કરવા યોગ્ય ફરજ છે. પીઠે કહ્યું હતું કે, સીમાંકિત ફૂટપાથ ઉપર ચાલવાના અધિકારનું ઉલ્લંઘન થતા નાગરિકોને વળતર મેળવવાનો
અને જવાબદાર અધિકારીઓ સામે સંવૈધાનિક અને કાનૂની
ઉપાયોનો ઉપયોગ કરવાનો અધિકાર રહેશે. આ ઉપાય મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ ઉપલબ્ધ ઉપાયોમાંથી અલગ
છે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે જે નાગરિકોના
ફૂટપાથ ઉપર ચાલવાના મૌલિક અધિકારનું હનન થાય તે વળતર માટે અધિકારીઓ સામે કાનૂની દાવો
કરી શકે છે અને આ રસ્તો મોટર વાહન અધિનિયમ હેઠળના દાવાથી અલગ રહેશે. અદાલતે એમ પણ કહ્યું
હતું કે સુરક્ષિત અને આરામદાયક ફૂટપાથની કમી અને મોટર વાહનોને તેનાથી વધારે મહત્વ આપવું
એક જુની સમસ્યા બની ચુકી છે. પીઠે ધ્યાન દોર્યું હતું કે ભારતીય શહેરોનું પ્લાનિંગ
વાહનોને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે, જેનાથી પગપાળા જતા લોકોની સુરક્ષા જોખમમાં મુકાય છે.