નવી દિલ્હી, તા. 19 : રિલાયન્સ
ઈન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ
અંબાણીએ જિઓ આઈપીઓ અંગે મોટું એલાન કર્યું હતું. બજારના જાણકારો અનુસાર આ આઈપીઓ ભારતીય
શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, જિઓ પ્લેટફોર્મના બોર્ડ તરફથી ડીઆરએચપીને મંજૂરી
આપી છે અને આજે જ સેબીમાં ફાઈલ કરી દેવાશે. આ તેઓના માટે, રિલાન્યસ
પરિવાર અને શેરહોલ્ડર્સ માટે ભાવુક ક્ષણ છે. મુકેશ અંબાણીએ ગ્રાહકો, ઉદ્યોગો અને સરકારમાં તમામ સ્તરે એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર, પ્લેટફોર્મ અને સર્વિસ ઊભી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. કંપનીએ તમામ
ભારતીય ભાષામાં તેમજ કૃષિ, શિક્ષણ, આરોગ્યમાં
પણ સહયોગી બને તેવા એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચરની યોજના ઘડી છે. જિઓના સબક્રાઈબરને મદદરૂપ
થવા માટે એઆઈ મેનેજરની પણ સુવિધા વિકસાવાઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી જિઓ
પ્લેટફોર્મ લિમિટેડ (જેપીએલ)ના બોર્ડ આઈપીઓ અંગે સેબીમાં ફાઈલ થનારા ડ્રાફ્ટ રેડ હેરિંગ
પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી)ને મંજૂરી આપી હતી, જેના હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા
27 કરોડ ઈક્વિટી શેર જાહેર કરવામાં
આવશે. ઈશ્યુ પ્રાઈસ બુક બિલ્ડિંગ પ્રોસેસથી નક્કી થશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, આકાશ અંબાણી, ઈશા અંબાણી
અને અનંત અંબાણી જિઓ આઈપીઓ પ્રોસેસનું નેતૃત્વ કરી રહ્યા છે. જિઓનું લિસ્ટિંગ દુનિયાને
બતાવશે કે ભારત ગ્લોબલ લેવલ, ગ્લોબલ કેપેબિલિટી અને ગ્લોબલ વેલ્યુ
ધરાવતી કંપનીઓ બનાવે છે. તેઓ પોતાના રોકાણકારોને ભરોસો અપાવવા માગે છે કે, જિઓનું ભવિષ્ય સારું રહેશે. વાર્ષિક સામાન્ય સભામાં રિલાયન્સ જિઓ ઈન્ફોકોમના
ચેરમેન અને જિઓ પ્લેટફોર્મના મેનેજિંગ ડાયરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું હતું કે,
જિઓના વપરાશકર્તા 524 મિલિયનને પાર થયા છે, જેનાથી ભારતના સૌથી મોટા ટેલીકોમ ઓપરેટરનાં રૂપમાં જિઓની સ્થિતિ વધારે મજબૂત
બની છે. જિઓ ફાઈવ-જી વપરાશકર્તા પણ 268 મિલિયનને પાર પહોંચ્યા છે,
જે ચીનની બહાર કોઈ પણ એક દેશના ટેલીકોમ ઓપરેટર માટે સૌથી મોટો ફાઈવ-જી
યુઝર બેઝ છે. કંપનીની આર્થિક સ્થિતિ બતાવતા
આકાશ અંબાણીએ કહ્યું હતું કે, જિઓ પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2026માં 1,46,885 કરોડ રૂપિયાની રેવન્યૂ બનાવી
છે. જે વાર્ષિક આધારે 14.6 ટકાનો વધારો
બતાવે છે. પહેલી વખત કંપનીનો નફો 30,000 કરોડ રૂપિયાને પાર ગયો છે અને તેમાં વાર્ષિક આધારે 15.1 ટકાની વૃદ્ધિ છે. વધુમાં એમ
પણ કહ્યું હતું કે, કંપની સેટેલાઈટ
કનેક્ટિવિટીનાં લક્ષ્યોને પુરાં કરવા માટે જરૂરી ગ્રાઉન્ડ સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર
બનાવી રહી છે.