• શનિવાર, 20 જૂન, 2026

કચ્છમાં 23મીથી પ્રગતિના પ્રવેશોત્સવની તૈયારી

ભુજ, તા. 19 : આગામી તા. 23થી 25 જૂન દરમ્યાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં યોજાનારા `પ્રગતિનો પ્રવેશોત્સવ 2026' અંતર્ગત જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી  ઉત્સવ ગૌતમનાં માર્ગદર્શન હેઠળ શિક્ષણતંત્રની તૈયારી આખરી તબક્કામાં છે. તાજેતરમાં રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીએ તમામ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લા ખાતે આયોજનબદ્ધ કાર્યક્રમ કરવા સૂચનો કર્યાં હતાં. આ અંતર્ગત કચ્છમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, 17 રાજ્ય કક્ષાના અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, સાંસદ વિનોદભાઈ ચાવડા, તમામ ધારાસભ્યો, જિલ્લા અને તાલુકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ 110 જેટલા રૂટમાં વિવિધ શાળામાં બાળકોનો બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 6, ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ કરાવશે. આ પ્રવેશોત્સવમાં પ્રાથમિક શાળાઓ, કે.જી.બી.વી. અને માધ્યમિક શાળાઓના નૂતન ભવનના લોકાર્પણ કરવામાં આવશે. આ વર્ષે પ્રવેશોત્સવનું મુખ્ય હાર્દ `બેક ટુ સ્કૂલ' અભિયાન (શાળા છોડી ગયેલ બાળકોને શાળામાં પુન:પ્રવેશ કરાવવો) અંતર્ગત મહત્તમ બાળકોને પ્રવેશ કરાવવામાં આવશે. જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક, સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ, રક્ષા શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલનો સમાવેશ કરવામાં આવશે. પ્રવેશોત્સવ કાર્યક્રમની વિશેષતા એ રહેશે કે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં બાળકો દ્વારા વક્તવ્ય, તેજસ્વી તારલાનું સન્માન, એસએમસી, શાળા સંચાલક મંડળ સાથે બેઠક, વૃક્ષારોપણ અને મહાનુભાવોનું વક્તવ્ય જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. કચ્છમાં યોજાનારા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં 34,500, ધોરણ 1માં 31,500, ધોરણ 9માં 39,163 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, તેવું જિલ્લા શિક્ષણ કચેરીની યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd