ગાંધીધામ, તા. 19 : ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં
યુવાધનને બરબાદ કરતા નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના હાર્દ
સમાન મહાનગરપાલિકા કચેરી નજીક અગ્રવાલ ભવનની સામે આવેલી ચાની એક દુકાનમાં ચાલતી ગેરપ્રવૃત્તિ
પર પોલીસ ત્રાટકી હતી અને શખ્સની અટક કરી અહીંથી આશરે રૂા. 1,45,000નો નશાનો જથ્થો જપ્ત કરાયો
હતો. ગાંધીધામ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, પણ અહીંના અમુક વેપારીઓ કંઈક વધારે જ સ્માર્ટ
નીકળ્યા છે. સામાન્ય રીતે લોકો ચાની દુકાને સુસ્તી ઉડાડવા જતા હોય છે, પણ પાલિકા કચેરી નજીક એક મહાશયે આખી દુકાનને સુપર ફાસ્ટ એનર્જી સેન્ટર બનાવી
દીધું હતું. ચાની આડમાં આ શખ્સ યુવાધનને એવો નશો પીવડાવતો હતો કે પોલીસ પણ જોઈને ચકરાઈ
ગઈ હતી. આ શહેર સંકુલમાં ચાની દુકાનોની આડમાં નશો વેચાતો હોવાના કચ્છમિત્રના અહેવાલને
આ કાર્યવાહીથી સમર્થન મળ્યું છે. પાલિકા કચેરી નજીક મંગી-અમૃતતુલ્ય નામથી ચાલતી દુકાનમાં
નશો વેચાતો હોવાની પૂર્વ બાતમીના આધારે અહીં પોલીસે છાપો માર્યો હતો, ત્યારે કફ સિરપ વગેરે મળ્યું હતું અને સંચાલકે પોતાની પાસે મેડિકલ લાયસન્સ
હોવાનું કહ્યું હોવાનું બહાર આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ ઈન્સ્પેક્ટરને અહીં બોલાવાતાં
આ શખ્સનો પરવાનો રદ થયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દુકાનમાં વધુ તપાસ કરતાં
તે પણ ચોંકી ગઈ હતી. આ દુકાનમાંથી બિયરની ત્રણ પેટી, અમુક ક્વાર્ટરિયા,
રૂા. 30,000ની આશરે 250 કફ સિરપ તથા રૂા. 95,000ની આશરે 3798 નશાની ગોળીઓ મળી આવી હતી. નશાનો
આ કારોબાર જોઈને દરોડો પાડનારી સાયબર સેલની ટીમ પણ ચોંકી હતી. સાયબર સેલએ શિણાયમાં
રહેતા દુકાન ચલાવતા હેમાંગ પ્રવીણ ઠક્કર (ગોપલાણી)ને ઝડપી પાડયો હતો. આ દુકાનમાંથી
રૂા. 1,45,000નો આશરે નશો જપ્ત કરવામાં આવ્યો
હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.