• બુધવાર, 29 એપ્રિલ, 2026

મુંદરા તા.ના 170 ખેડૂતને વાવેતર સહાય

મુંદરા, તા. 27 : વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન અને મુંદરા પેટ્રોકેમ લિ.ના સહયોગથી મુંદરા તથા આસપાસના વિસ્તારોમાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ હાથ ધરાઇ છે, જે અંતર્ગત બાગાયતી રોપાઓનું વાવેતર કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. સીઇઆર કાર્યક્રમ હેઠળ સ્થાનિક ખેડૂતોને બાગાયતી રોપાઓની ખરીદી માટે ટોકનરૂપે રૂ. 10,000ની સહાય અપાઈ છે. વર્ષ દરમિયાન કુલ આશરે 170 જેટલા ખેડૂત દ્વારા બાગાયતી રોપાઓનું વાવેતર કરાયું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો તેમજ મુંદરા-માંડવી તાલુકામાં ટકાઉ અને વૈવિધ્યપૂર્ણ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે, જે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુંદરાના વૈજ્ઞાનિક જે. ડી. ગોસ્વામીએ ખેડૂતોને વર્તમાન પાકોની પસંદગી, સંભાળ અને કચ્છનાં હવામાનને અનુકૂળ બાગાયતી ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સંબોધન કરતા અદાણી પોર્ટસના એક્ઝિ. ડાયરેક્ટર રક્ષિત શાહે ખેડૂતોને વધુમાં વધુ બાગાયતી પાકોનું વાવેતર કરવા અને કચ્છનાં ફળોને રાજ્યભરમાં ઓળખ મળે દિશામાં પ્રયત્નો કરવા પ્રેરણા આપી હતી. અદાણી ફાઉન્ડેશનના પંકતિ શાહે જણાવ્યું કે, સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ બાગાયતી ખેતી અપનાવી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે જરૂરી છે. આ પ્રસંગે આસપાસનાં ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને આવકાર્યો હતો.

Panchang

dd