• બુધવાર, 15 એપ્રિલ, 2026

મનપાનો વેરા પેટે 49 કરોડની આવકનો અંદાજ

ગાંધીધામ, તા. 13 : અહીં મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નાં બજેટમાં મિલકત તેમજ અન્ય વેરા પેટે 49 કરોડની આવકનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. કોર્પોરેશને ટેક્સ વધાર્યો નથી અને આવકનો અંદાજ જાજો વ્યક્ત કર્યો છે. લક્ષ્યાંક સુધી પહોંચવા માટે મિલકત આકારણી જરૂરી છે, મહાનગરપાલિકા બની તેને 13 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ મિલકત આકારણી સબંધિત નિર્ણયો લેવામાં આવ્યા નથી. રાજકીય બોડી બને, ત્યારબાદ આ અંગે કોઈ નિર્ણય લેવાય તેવી સંભાવના છે. એક એપ્રિલ-2026થી ચાલુ નાણાકીય વર્ષે છ દિવસમાં 38 લાખની વેરા વસૂલાત થઈ છે, પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં આવકનો અંદાજનો આંક ઘણો મોટો છે. ગત વર્ષે 50 કરોડથી વધુના માગણા સામે લગભગ 27 કરોડની આસપાસની વેરા વસૂલાત થઈ. વસૂલાત ઓછી થવા પાછળનું કારણ મિલકત આકારણી કરવામાં આવી નથી અને ડિમાન્ડ યથાવત્ છે, જેના કારણે લક્ષ્યાંક સુધી પહોંચી શકાતું નથી. હાલના સમયે મહાનગરપાલિકામાં સમાવેશ થયેલી ગાંધીધામ-આદિપુરની 60,600 મિલકત છે, જ્યારે 11 ગામડાંની 44,321 મિલકત સાથે મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટર વિસ્તારની કુલ 1,04,921 મિલકત ચોપડા ઉપર નોંધાયેલી છે, તેના થકી  આટલી આવક થઈ છે. મિલકત આકારણી કરવામાં આવે તથા જે વર્ષોથી ડિમાન્ડ ચડેલી છે તેનો સર્વે કરીને તેને રદ કરવામાં આવે. ઉપરાંત કર્મચારીઓની ઘટની પૂર્તતા કરાય, તો કામગીરી પણ ઝડપથી થઈ શકે આવા અનેક મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, તો આગામી વર્ષમાં આવક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં  કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, લગભગ છ દિવસમાં 38 લાખથી વધુની વેરા વસૂલાત કરવામાં આવી છે.

થિયેટર ટેક્સની એક લાખની આવક થશે

તત્કાલીન સમયની નગરપાલિકા અને એક વર્ષનાં શાસનની મહાનગરપાલિકા દરમિયાન થિયેટર ટેક્સ બાબતે કોઈ વિચારણા થઈ નથી, પરંતુ વર્ષ 2026-27નાં બજેટમાં થિયેટર ટેક્સ નાખવામાં આવ્યો છે અને સિનેમાઘરો પાસેથી આ ટેક્સની વસૂલાત કરીને તેના થકી એક લાખની આવકનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

કરોડોની ડિમાન્ડ બાબતે નિર્ણય જરૂરી

ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની અને અર્ધસરકારી સંસ્થાઓ પાસેથી કરોડો રૂપિયાના ટેક્સની વસૂલાત બાકી છે. આ ઉપરાંત ખાલી પ્લોટ સહિતની ડિમાન્ડ ઘણી છે, અગાઉ તત્કાલીન સમયના ચીફ ઓફિસરે પાણીની ડિમાન્ડ ઘટાડી હતી તે આંકડો લગભગ પાંચથી છ કરોડનો હતો, હવે પછી મિલકત આકારણી થાય, તો સાચો મિલકતોનો આંકડો બહાર આવે તેમ છે અને ડિમાન્ડ પણ ઘટી શકે તેમ છે. ખાસ કરીને જે સંસ્થાઓ છે, તેમની પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં આવે, તો પણ આવકમાં વધારો થાય તેમ છે.

વેરા વાઇઝ આવકનો અંદાજ 

વેરો          આવક (કરોડમાં) 

મિલકત વેરા       25  

ગટર વેરો             2  

પાણી વેરો            8 

દિવાબત્તી વેરો    2 

સફાઈ વેરો           3 

ખાસ સફાઈ વેરો                5 

શિક્ષણ ઉપકર     4 

Panchang

dd