• બુધવાર, 15 એપ્રિલ, 2026

ભુજ સુધરાઇની ચૂંટણીને પગલે માહોલ ગરમાયો

ભુજ, તા. 13 : છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે. સાથોસાથ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો જાહેર થતાં સમગ્ર કચ્છનાં રાજકારણમાં પણ ગરમાવો  આવી ગયો છે. ભુજની વાત કરીએ તો ગત બે દિવસમાં ભાજપના વોર્ડ નં. પાંચના ઉમેદવારનું નામ બદલવા સાથે બેઠકની કેટેગરીનો મુદ્દો તેમજ વોર્ડ નં. આઠમાં પ્રચાર દરમ્યાન ઊઠેલા વિરોધની બાબતે ભારે ચર્ચા જગાવી છે. ભુજના વોર્ડ નં. પાંચની વાત કરીએ તો પછાતવર્ગ પર હિરેન રાઠોડનાં નામની જાહેરાત થતાં તેમના સમાજમાં ભારે નારાજગી ફેલાઇ હતી અને આજે ચૂંટણી અધિકારી સહિતને અખિલ રાજપૂત સમાજ-કચ્છ દ્વારા આવેદન અપાયું હતું, જેમાં જણાવાયા મુજબ સામાજિક હોદ્દાનો દુરુપયોગ કરી સમાજ-પક્ષને ગેરમાર્ગે દોરી ખોટા ઓબીસીના પ્રમાણપત્રના આધારે દાવેદારી નોંધાવતાં સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે. હિરેન રાઠોડ હાલ `ભુજ રાજપૂત સમાજ'ના પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે. તેમણે પક્ષ પાસે ટિકિટની માગણી કરતી વખતે પોતે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન હોવાનું બતાવ્યું હતું, પરંતુ દુ:ખ અને રોષની વાત એ છે કે, તેમણે પોતાના જ સમાજને અંધારામાં રાખી, સત્તાની લાલચમાં `ઓબીસી' વર્ગમાં હોવાનું પ્રમાણપત્ર રજૂ કરી ફોર્મ ભર્યું હોવાના આક્ષેપો કરાયા હતા. ખરેખર કચ્છમાં રાજપૂત જ્ઞાતિ `સામાન્ય' વર્ગમાં આવે છે. જો તેમણે ઓબીસી પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તે સરકારી રેકર્ડ સાથેની છેડછાડ અને હોદ્દાનો ઉપયોગ કરી મેળવેલ શંકાસ્પદ દસ્તાવેજ હોવાના આક્ષેપ કરી ભારતીય દંડસંહિતા મુજબ છેતરપિંડી અને લોકશાહીના મૂલ્યોની હત્યા સમાન લેખાવી ઉમેદવારના જાતિનાં પ્રમાણપત્રની તાત્કાલિક વિજિલન્સ દ્વારા તપાસ કરવા અને ફોર્મ રદ કરવા પ્રમુખ નીતિન મકવાણા સહિત જ્ઞાતિજનોએ માંગ કરી હતી. આવેદન  આપવા સમયે કચ્છમાંથી તાલુકાઓના પ્રમુખ, હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, આવેદનને પગલે પ્રાંત અધિકારીએ પ્રમાણપત્રની ખરાઇ કરાવવા સમાજકલ્યાણ ખાતામાં મોકલતાં આ શાખાએ પ્રમાણપત્ર યોગ્ય હોવાનું જણાવતાં હિરેન રાઠોડનું ફોર્મ માન્ય રહ્યું હતું. તો અન્ય એક બનાવમાં હજુ તો ભાજપના ઉમેદવારોએ પ્રચાર શરૂ જ કર્યો છે ત્યાં વોર્ડ નં. આઠમાં વિરોધનો સામનો કરવો પડયો. સોશિયલ મીડિયાનાં માધ્યમથી જાહેર થયેલી ઘટનામાં વોર્ડના રહેવાસી દિગ્વિજયસિંહ જાડેજાએ રાવલવાડી, રઘુવંશીનગર, નરસિંહ મહેતા નગર વિસ્તારમાં આવેલા ભાજપના ઉમેદવારો-સમર્થકો સામે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, બાળકોના અકસ્માતમાં મૃત્યુ સમયે ચૂંટાયેલા સભ્યો ક્યાં હતા ?, વિસ્તારોમાં પડેલા ખાડા, અનિયમિત પાણી વિતરણ સમયે સત્તા પક્ષ પ્રશ્ન ઉકેલવા શા માટે નથી આવતો. રાજકીય પક્ષોમાં ધમધમાટ સાથે ક્યાંક આવકાર તો ક્યાંક વિરોધ સહિતની ઘટનાએ સામે આવી રહી છે જેને પગલે સમગ્ર ભુજ ચૂંટણી જંગનું મેદાન બની ગયું છે.

Panchang

dd