બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 8 : ગત ચોમાસાંમાં
સીમાડામાં જળાશયો છલકાયા બાદ સિંચાઇની સવલતને લઇ રવી મોસમમાં સીમાડો લીલોછમ બનતાં ચુંભાનો
અનુકૂળ માહોલ ઊભો થતાં ચાલુ સાલે મધનું વિક્રમરૂપ ઉત્પાદન થવાની સંભાવના જાગી હતી, પરંતુ છેલ્લે-છેલ્લે તોફાની પવન સાથે કમોસમી
વરસાદ થતાં મધના ઉત્પાદન પર ભારે અસર પહોંચી હતી. રાજ્યમાં 90 ટકા મધ પૂરું પાડતા આ સરહદી
જિલ્લામાં મધની ભરપૂર મોસમ વચ્ચે મામૂલી આવકના કારણે જિલ્લાનું વન વિકાસ નિગમ ભારે
ચિંતિત બન્યું છે. સરહદી કચ્છ જિલ્લામાં કુદરતી ખોળે ઊછરતી એપીસ ફ્લોરિયા નામની મધમાખી
દ્વારા મધનું ઉત્પાદન થાય છે. જિલ્લા વન વિકાસ નિગમ લિ. દ્વારા દરવર્ષે આ મધમાખીની
જાત દ્વારા એક હજાર ક્વિન્ટલ મધનું ઉત્પાદન કરવામાં આવે છે. મધ ઉત્પાદન ક્ષેત્રે બન્ની
અને પાવરપટ્ટી વિસ્તાર ભારે પ્રખ્યાત છે. પાછળથી થયેલા કમોસમી વરસાદ અને વેગીલા વાયરાએ
મધપૂડાને વેર-વિખેર કરી નાખતાં આ વિસ્તાર જ નહીં સમગ્ર જિલ્લામાંથી વન વિકાસના ગોડાઉન
પર મામૂલી જથ્થામાં મધનો જથ્થો એકત્ર થયો હતો. મધ ઉત્પાદન સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી
પ્રાપ્ત માહિતી મુજબ હોળીના તહેવાર બાદ 18મી માર્ચથી લઇ 20મી એપ્રિલ સુધી મધ ઉત્પાદનનો મુખ્ય સમયગાળો ગણવામાં આવે છે.
હાલ મધની ભરપૂર સિઝન છતાં મધનું ઓછું ઉત્પાદન ચિંતાનો વિષય બન્યો છે. મોસમી પરિબળો
જેવા કે વરસાદ, ઠંડી, ગરમી, હિમ, લૂ, વંટોળ, વાવાઝોડું ઉપરાંત દાડમ, ચીકુ, બોર જેવી
બાગાયતી ખેતીમાં રાસાયણિક દવાનો વધુ પડતો છંટકાવ મધના ઉત્પાદન પર મોટું જોખમ ઊભું કરે
છે. બીજી બાજુ વન વિકાસ નિગમ દ્વારા એકત્ર કરાતાં મધના સરેરાશ વાર્ષિક ઉત્પાદનમાં છેલ્લાં
પાંચ વર્ષના મળેલા આંકડામાં ભારે ઘટાડો જોવા મળે છે. આ બાબતે જાણવા મળેલી વિગતો મુજબ
કચ્છમાં દર વર્ષે ઘટી રહેલાં ઉત્પાદન પાછળનું સંભવિત કારણ ગણવામાં આવે છે. આ ઉપરાંત
પર્યાવરણીય પ્રકૃતિમાં થતા ફેરફાર, પવનચક્કીઓ અને સોલાર ઊર્જાના
વધતા પ્રોજેક્ટ પણ મધમાખીના અસ્તિત્વ સામે પડકારરૂપ બનતાં ધીરે-ધીરે મધના ઉત્પાદનનો
ગ્રાફ દર વર્ષે નીચે ધકેલાઇ રહ્યો છે. - મજૂરોનાં શોષણની રાવ ઊઠી : મધ ઉત્પાદન સાથે સંકળાયેલા મજૂર વર્ગને
પ્રોત્સાહિત કરવા માટે કોઇ પણ પગલાં ભરવામાં ન આવતાં હોવાની ફરિયાદો ઊઠી છે. કચ્છ જિલ્લા
ગૌણ વન પેદાશ એસોસીએશનના પ્રમુખ રમેશ મહેશ્વરીના જણાવ્યા મુજબ આજથી 10-15 વર્ષ પહેલાં મજૂરો પાસેથી નિગમ
તથા ખાનગી વેપારીઓ મધ 125થી 150 સુધીના ભાવે ખરીદતા હતા. આજે
પણ એ જ ભાવે મધ ખરીદાય છે. સામાન્ય ઉત્પાદનોમાં છેલ્લા એકથી દોઢ દાયકામાં ભાવ આસમાને
પહોંચ્યા છે, પરંતુ એક કે દોઢ દાયકા
બાદ પણ મધના ભાવમાં કોઇ પણ ફેરફાર કરાયો નથી. હાલ માવઠાંના માર વચ્ચે રવી મોસમના પાકોની
કાપણી-લણણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહે છે, જેમાં મજૂરને દિવસના
400થી 500ની કમાણી કરી લે છે. મજૂરો
ખેતમજૂરી કામમાં વધારે ધ્યાન આપતા મધનું ઉત્પાદન ઘટી રહ્યું છે, ત્યારે વન વિકાસ નિગમ અને રાજ્ય સરકાર આ બાબતે
યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે. - આંકડા કહે છે, કચ્છમાં કુદરતી મધ ઘટે છે : જિલ્લાના મુખ્ય મથકે કાર્યરત જિલ્લા વન
વિકાસ નિગમ લિ. પોતાના ત્રણ પેટા ડિવિઝન ભુજ, નખત્રાણા અને રાપર સબ ડિવિઝન દ્વારા ગૌણ વન પેદાશની ખરીદી કરવામાં આવે છે,
જેમાં મધની ખરીદી મુખ્ય છે. મધનો એકત્ર થયેલ જથ્થો - 2021-22, 651 ક્વિન્ટલ -2022-23, 611 ક્વિન્ટલ 2023-24, 151 ક્વિન્ટલ - 2024-25, 39 ક્વિન્ટલ - 2025-26, 52 ક્વિન્ટલ