અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
અને અમદાવાદમાં 2030 માં યોજાનારી
કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ
ટીમ પ્રથમવાર રાજ્યની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડો.
ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટીમના પાંચ સભ્ય ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ
સાથે 11 એપ્રિલ સુધી ગુજરાતમાં રોકાણ
કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી
આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ
રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી
હતી.કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી
કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલું તેનું યજમાન
પદ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં ડો. ડોનાલ્ડે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરી અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા
કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ અને ઇન્ડિયન ઓલમ્પિક
એસોસિએશનને ગેમ્સના સંચાલન માટે રાજ્ય સરકાર
જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો.
ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે
તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ
સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ
માટે સાઇટ વિઝીટ કરશે.