• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

પ્રતિબંધિત હાજીપીર માર્ગે આવી ચડેલાં વાહનો નારાજ ગ્રામજનોએ અટકાવ્યાં

નખત્રાણા, તા. 8 : દેશલપર (ગું.)થી હાજીપીર સુધીના 36 કિ.મી.ના માર્ગને આરસીસીથી મઢવાનું કામ ચાલુ છે અને આ માર્ગ પર ભારે વાહનો પ્રતિબંધિત હોવા છતાં અનેક વાહનો માર્ગ પર આવી ચડતાં મુરૂ અને લુડબાયના જાગૃતોએ રોક્યાં હતાં. મામલો વધુ વણસે તે પહેલાં જ ગ્રામજનોએ પોલીસ બોલાવતાં પોલીસે જાહેરનામાંના ભંગ બદલ આવા અનેક ભારે વાહનો પર કાર્યવાહી કરી હતી. આ વચ્ચે માર્ગ પર ટ્રાફિકજામ થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. હાજીપીર યાત્રાધામ, નમક ઉદ્યોગ તેમજ સાંતલપુર-ઘડુલી હાઇવેને જોડવા તેમજ સરહદી વિસ્તારનો આ માર્ગ ટકાઉ અને મજબૂત બને તે માટે આ માર્ગેથી ભારે માલવાહક વાહનોને અન્ય માર્ગે વાળવા જિલ્લા કલેક્ટર દ્વાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી છેલ્લા ચાર માસથી આ મહત્ત્વના રસ્તાનું કામ સુચારુ રીતે ચાલી રહ્યું છે ત્યારે કલેક્ટર દ્વારા ટ્રાફિક પ્રતિબંધનાં જાહેરનામાંની હજુ અવધિ પૂરી થઇ નથી ત્યાં રસ્તાના ચાલુ કામ દરમ્યાન જાહેરનામાંની ઐસીતૈસી કરી આજે સવારે નમક ભરેલા અંદાજિત 40 જેટલા ઓવરલોડ ટ્રક, ટ્રેઈલર હાજીપીર રોડ પરથી પ્રવેશી મુરૂ, ઢોરા પાસેની ચાડી નજીક આવી ચડતાં સ્થાનિક ગ્રામજનોએ રોક્યાં હતાં, જેના કારણે માર્ગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિણામે આગામી હાજીપીરના મેળા દરમ્યાન જતા પદયાત્રીઓ, વાહનોથી જતા યાત્રીઓ તથા એસ.ટી. બસના મુસાફરો ટ્રાફિકજામમાં અટવાયા હતા. આ બાબત વણસે તે પહેલાં મુરૂ ગામના જાગૃત અગ્રણીઓએ પોલીસ તંત્રને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આવા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દરમ્યાન એકત્રિત થયેલા સ્થાનિક લોકો તથા પેસેન્જરોએ પણ પ્રતિબંધિત રસ્તા પર પસાર થતાં વાહનચાલકો ઉપર રોષ વ્યકત કરતાં જાહેરનામાંનો ભંગ કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી, જેથી ભવિષ્યમાં આ રીતની ગેરવર્તણૂક ફરીથી ન થાય. ઘટનાસ્થળે હાજર ઉમેશભાઇ આચાર્યએ વિગતો આપી હતી. બીજી તરફ મથલ પાસેની ધરૂડ નદી ઉપર ચાલતાં મોટા પુલનાં  કામ વચ્ચે મોડી સાંજથી રાત્રિ દરમ્યાન ભારે વાહનોની અવર-જવરને લઇ પુલને પ્રવેશતા માર્ગ આગળ બંધ રાખવા કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થા કરવી જોઇએ જેથી પુલનું કામ ટકાઉ અને મજબૂત થાય. 

Panchang

dd