અમદાવાદ/મુંદરા, તા. 8 : ઓરિસ્સા પૂર્વ
ભારતનું ગેટ વે અને ટેકનોલોજી હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. અદાણી પોર્ટ્સ (એપીએસઇઝેડ)ના
મેનાજિંગ ડિરેક્ટર કરણ અદાણી અને મુખ્યમંત્રી મોહનચરણ માઝીની ઉપસ્થિતિમાં ઓરિસ્સાને
પૂર્વ ભારતનું ઔદ્યોગિક હબ બનાવવા રૂા. 33,081 કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. બુધવારે
આયોજિત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં અદાણીએ ત્રણ મલ્ટી - સેક્ટરલ પ્રોજેક્ટ્સમાં રોકાણની
ઘોષણા કરી હતી. જેમાં ડેટા સેન્ટર, થર્મલ પાવર પ્લાન્ટ અને સિમેન્ટ મેન્યુફેક્ચારિંગ
પ્લાન્ટ ઉલ્લેખનીય છે કે સમાવેશ થાય છે. ઓરિસ્સાને
ડિજિટલ ક્ષેત્રે નવી ઓળખ અપાવવા અદાણી ગ્રુપ ભુવનેશ્વરમાં રૂા. 800 કરોડના રોકાણ સાથે ડેટા સેન્ટર
સ્થાપિત કરશે. તે પ્રદેશને એ આઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ક્લાઉડ કમ્પ્યાટિંગના
ગ્લોબલ મેપમાં સ્થાન આપશે. અદ્યતન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 200 જેટલા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનોને
રોજગારીની નવી તકો મળશે.આ ઉપરાંત ઔદ્યોગિક ક્રાંતિ માટે રાજ્યને અવિરત વીજળી પૂરી પાડવા
અદાણી જૂથ રૂા. 30,181 કરોડના
રોકાણ સાથે કટક નજીક એક થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે. આ વિશાળ પાવર પ્લાન્ટ રાજ્યના
અર્થતંત્રને નવી ગતિની સાથે 7,000 પરિવારોને
સીધી રોજગારી પૂરી પાડશે. અદાણી જૂથ સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે પણ ઓરિસ્સામાં ભારે રોકાણ
કરી રહ્યું છે. રૂા. 2,100 કરોડના રોકાણથી
બનેલા સિમેન્ટ પ્લાન્ટ દ્વારા અંદાજે 2,500 લોકોને રોજગારી મળશે. આ પ્લાન્ટ રાજ્યના રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણ માટે મજબૂત પાયો
પૂરો પાડશે. આ પ્રસંગે કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ઓરિસ્સા
હવે માત્ર પરિવર્તનના માર્ગ પર નથી, પણ તે પોતાની મંજિલ નક્કી
કરી ચૂક્યું છે, તેમણે
ઉમેર્યું કે અદાણી ગ્રુપ અહીં માત્ર એક મુલાકાતી તરીકે નહીં, પણ એક બિલ્ડર તરીકે આવ્યું છે. આ રોકાણ ઓરિસ્સાના રૂા. 1.5 ટ્રિલિયન અર્થતંત્રના સ્વપ્નને
સાકાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.કરણ અદાણીએ રાજ્યના ભવ્ય ભૂતકાળને યાદ કરતા કહ્યું
કે, જે
ધરતીએ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કર્યું અને જેના દરિયાખેડુઓએ સમગ્ર એશિયામાં ભારતીય
સંસ્કૃતિનો પ્રસાર કર્યો, તે ધરતી આજે ભારતનું ભવિષ્ય લખવા જઈ
રહી છે . ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપના અન્ય પ્રોજેક્ટ્સ જેમ કે સુંદગઢમાં રૂા. 84,000 કરોડનો કોલ ટૂ કેમિકલ પ્લાન્ટ
અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો ઓરિસ્સાને વિશ્વના નકશા પર એક મજબૂત ઔદ્યોગિક ઓળખ આપી
રહ્યા છે.