• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

સનાતન ધર્મના રક્ષણ માટે સંત શક્તિનું મહામંથન

બેંગ્લોર, તા. 8 : ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંરક્ષણ કાજે કાર્યરત દેશની સર્વોચ્ચ સંસ્થા `િહન્દુ ધર્મ આચાર્ય સભા'નું નવમું અધિવેશન કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે સંપન્ન થયું હતું. આચાર્ય સભાના ટ્રસ્ટી તથા આદિ ચૂનચૂનગિરિ મઠના વડા ધર્મગુરુ નિર્મળાનંદનાથજી મહારાજ આ અધિવેશનના યજમાન પદે હતા.આર્ષ વિદ્યામંદિરના સંત સ્વામી દયાનંદ સરસ્વતી મહારાજ દ્વારા સ્થાપિત આ હિન્દુ ધર્મ આચાર્ય સભામાં ભારતભરના 200 વર્ષથી પણ વધુ જૂના વિવિધ સંપ્રદાયોના આશરે 90 જેટલા ધર્માચાર્યોએ ઉપસ્થિત રહીને એકતાનાં દર્શન કરાવ્યાં હતાં. વર્તમાનમાં આ સભાના સંરક્ષક તરીકે રમણ રેતી વૃંદાવનના સંત કાર્ષ્ણિ ગુરુશરણાનંદ મહારાજ માર્ગદર્શન આપી રહ્યા છે. અધ્યક્ષ સ્થાને પંચદશનામ જૂના અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર અવધેશાનંદજી મહારાજ અને કન્વીનર તરીકે આર્ષ વિદ્યામંદિર રાજકોટના અધ્યક્ષ પરમાત્માનંદજી મહારાજ સેવા આપી રહ્યા છે. ઐતિહાસિક સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આખો દિવસ સંતોની સાથે રહીને વિવિધ વિષયો પર મંથન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને વી.એચ.પી.ના અધ્યક્ષ આલોકજીએ પણ ઉપસ્થિત રહીને રાષ્ટ્રહિતની ચર્ચાઓમાં ભાગ લીધો હતો. ગુજરાતની ધર્મધરાનું પ્રતિનિધિત્વ કરતા જામનગરના પ્રણામી સંપ્રદાયના વડા કૃષ્ણમણીજી મહારાજ, એસજીવીપીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય દ્વારકેશલાલજી મહારાજ અને સતપંથ પ્રેરણાધામના અધ્યક્ષ સ્વામી જ્ઞાનેશ્વરદાસ મહારાજ, મહામંડલેશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ - સન્યાંસ આશ્રમ અમદાવાદ જેવા સંતોએ હાજરી આપી હતી. અધિવેશનમાં ભારતવર્ષના અનેક સળગતા પ્રશ્નો પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી, ખાસ કરીને નવી શિક્ષણ નીતિનું શાળા-કોલેજોમાં અસરકારક અમલીકરણ અને દેશભરના લાખો મઠ-મંદિરોની સંપત્તિ જે સરકારી નિયંત્રણ હેઠળ છે તેને મુક્ત કરાવવા માટે વ્યૂહરચના ઘડાઈ હતી. ગુરુમૂર્તિએ વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. સુદર્શન ટીવીના માલિક સુરેશભાઈએ દેશમાં બદલાઈ રહેલી વસ્તીવિષયક પરિસ્થિતિ અંગે આંકડાકીય વિગતો રજૂ કરી સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો. `ધ કેરલા સ્ટોરી' ફિલ્મની અભિનેત્રીઓ અને લવ જેહાદનો ભોગ બનેલી બહેનોએ પોતાની આપવીતી સંમેલનમાં રજૂ કરતાં હિન્દુ દીકરીઓની સુરક્ષા અને ઘરવાપસી જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી કામ કરવાનો નિર્ધાર કરાયો હતો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતના તમામ ધર્માચાર્યોએ પોતાના વ્યક્તિગત પ્રોટોકોલને બાજુ પર મૂકીને એકસૂત્રતા સાધી હતી. આદિ ચૂનચૂનગિરિ મઠના સંન્યાસીઓ, ઋષિકુમારો, સ્વયંસેવકો તથા આર્ષ વિદ્યામંદિરના સંન્યાસીઓ અને સંન્યાસીનીઓએ અધિવેશનને સફળ બનાવવા સેવા બજાવી હતી.  

Panchang

dd