મુંદરા, તા. 6 : મુંદરા
શહેર અને તાલુકા સમસ્ત જૈન સમાજ દ્વારા નવતર અને ઐતિહાસિક પહેલસમા રવિવારે સાંજે
યોજાયેલા સ્નેહમિલનમાં મુંદરા ખાતે વિશાળ
અને ભવ્ય જૈન સમાજ ભવનના નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે અદાણી ગ્રુપ તેમજ
વિવિધ જૈન શ્રેષ્ઠીઓએ ખુલ્લા દિલે સહયોગની ઉચ્ચારી હતી. આ સાથે સમસ્ત જૈન સમાજ
અલગ-અલગ સંપ્રદાયને બદલે એક મંચ પર મજબૂત સંગઠન તરીકે ઊભરી આવે એ મુદ્દે ભાર
મુકાયો હતો.
અદાણી પરિવાર સહયોગ માટે સજ્જ
મુંદરા શહેર અને તાલુકાના ગામોના
જ્ઞાતિજનો તેમજ કચ્છભરના અને મુંબઈથી ખાસ ઉપસ્થિત જૈન આગેવાનોની વિશાળ હાજરી
સાથેના સુરભિ ગાર્ડન મધ્યે યોજાયેલા આ સમસ્ત જૈન સમાજને સાંકળતા પ્રથમ એવા ઐતિહાસિક
સમારોહમાં પ્રમુખસ્થાનેથી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ આને અલભ્ય
આયોજન તરીકે બિરદાવી તમામ સહયોગની તૈયારી દર્શાવી
તેમજ મેડિકલ સેવા ક્ષેત્રે બિદડા સર્વોદય ટ્રસ્ટ હંમેશાં સાથે રહેશે, એવી ખાતરી આપી હતી.
અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડના યુવા એક્ઝિ. ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે તેમના જોશીલા
વક્તવ્યમાં કહ્યું કે, ટીમ બનાવી દરખાસ્ત લાવો, અદાણી પરિવાર સહયોગ માટે હંમેશાં તૈયાર છે. આ સાથે તેમણે સમાજને એક મંચ પર
લાવતી આયોજક ટીમને ધન્યવાદ આપ્યા હતા.
સમાજ મતની તાકાત ઊભી કરે
કચ્છ યુવક સંઘના સ્થાપક કોમલભાઈ
છેડાએ સંગઠન પર ભાર મૂકતાં કહ્યું કે,
રાજકીય વગના મહત્ત્વને પણ ધ્યાને લેવાવું જોઈએ. મુંબઈ હો, પણ ગામમાં તમારા મત હોવા જોઈએ. સમાજનું મહત્ત્વ ઘટવું ન જોઈએ, લોકશાહીમાં મતની કિંમત છે, મતની તાકાત ઊભી કરવા
વિચારવાનું છે. પ્રાગપર સ્થિત એન્કરવાલા આહિંસાધામના મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ
સંગોઈએ કંડલા ફ્રી ટ્રેડ ઝોનના પ્રારંભિક સમયનો દાખલો આપતાં કહ્યું કે, એ સમયે ધંધા-રોજગારનો લાભ નથી લઈ શકાયો, પણ હવે
કચ્છનું ભવિષ્ય મુંદરા છે. મુંબઈમાં હવામાન પણ વધુ પ્રદૂષિત બની રહ્યું છે,
ત્યારે મુંદરામાં હજારો ધંધા-રોજગારની તકોને ઓળખી વતન આવો. આવું એક
આયોજન મુંબઈમાં પણ કરવા અને મુંદરામાં સમાજ ભવનને અતિ ભવ્ય 10 એકરમાં
નિર્માણ કરવા સૂચન કર્યું હતું.
મુંબઈ-કચ્છ વચ્ચે સંકલન જરૂરી
કચ્છ જિ. ભાજપ ઉપપ્રમુખ
રેશ્માબેન ઝવેરીએ કહ્યું કે,
સમયની તાતી જરૂરિયાત હતી એવા આ સંમેલનને યોજીને યુવા ટીમે સારી તક
ઝડપી છે. રાજકીય ક્ષેત્રે સ્થાન અને મત રેશિયો ઘટવો ન જોઈએ. ધંધા-રોજગાર વધારવા
માટે એક બિઝનેસ પોર્ટલ લોન્ચ કરવાનું સૂચન કરતાં તેમણે જૈન યૂથ ફોરમ (જેવાયએફ)
સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે પણ વાત કરી કે, સંસ્થાના મોવડી
હાર્દિકભાઈ મામણિયાએ `યુ ટર્ન'
ઝુંબેશ આદરેલી છે. હવે મુંબઈ અને કચ્છ વચ્ચેનું અંતર બધાએ
સાથે મળીને દૂર કરવું પડશે. માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે સંમેલનમાં ઊભરી
આવેલી ભાઈચારાની ભાવના બિરદાવીને કહ્યું કે, આ જ સમાજની સાચી
ઓળખ છે.
સર્વ સેવા સંઘ દ્વારા વેબપોર્ટલ
આ પહેલાં જિગર તારાચંદભાઈ છેડાએ
આયોજક કોર કમિટી વતી સ્વાગત વકતવ્યમાં કહ્યું કે, મુંદરામાં સમાજવાડી, જૈન
ભોજનશાળા, આવાસ, પાર્ટી પ્લોટ સાથેનું
એક વિશાળ અને આધુનિક જૈન સમાજ સંકુલ નિર્માણ પામે તેનો આપણે સાથે મળીને સંકલ્પ
લઈએ. આ સમારોહને કોઈ વ્યક્તિનું નહીં, સમસ્ત જૈન સમાજનું
ઐતિહાસિક સંમેલન કહેતાં તેમણે સમગ્ર ટીમના પુરુષાર્થને બિરદાવ્યો અને ઉમેર્યું કે,
મુંદરાના વિકાસનો કઈ રીતે લાભ લઈ શકાય, સમાજ
કેમ આગળ વધે તેમજ હવે વતન મુંદરા અને કચ્છમાં પાછા ફરવાનું શરૂ કરો એવો ઉદ્દેશ છે.
આ માટે ઝુંબેશ ચલાવશે. આ સાથે તેમણે સર્વ સેવા સંઘ દ્વારા તમામ સમાજ માટે એક મહિનામાં
જ મુંદરા અને કચ્છની કંપનીઓમાં રહેલી રોજગારીની તકો દર્શાવતું વેબપોર્ટલ શરૂ
કરવાની પણ જાહેરાત કરી હતી, જેથી યુવાનો વતન ભણી વળે. આ
પ્રસંગે મુંદરા સમસ્ત જૈન સમાજ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતાએ આ આયોજનનું વિચારબિજ
જન્મ્યું ત્યારથી લઈને આગેવાનો પાસે મૂકીને તેમને આપેલા સાથ તેમજ ટીમે ટૂંકા
ગાળામાં આદરેલા પુરુષાર્થને બિરદાવ્યો હતો. વતનમાં પાછા ફરવાના અભિયાનની ચર્ચાથી
પ્રેરિત થઈ સીએ જયેશ રાંભિયાએ મુંદરામાં
શાખા ખોલવાની જાહેરાત કરી હતી, તો અંજારના રાજેશ શાહે દરેક
તાલુકાએ આવા કાર્યક્રમથી પ્રેરણા લેવા સૂચન કર્યું હતું. દાતા પરિવાર અનશન
વ્રતધારી તારાચંદભાઈ જગશી છેડા પરિવાર, છાયાબેન વસંતભાઈ
ડુંગરશી છેડા પરિવાર, દિનેશ કાંતિલાલ મહેતા પરિવાર, પરિન દિલીપ ગાલા પરિવાર, કરમશી વાઘજી ધરોડ પરિવારનું
સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઉદ્યોગપતિ રાજેશ કુબડિયા, હંસાબેન
છેડા, ભોગીલાલભાઈ મહેતા (અરિહંત), શાંતિલાલ
સાવલા (ચાર્લી ચીકી), અનિલ ખોના (એક્ટિવ કાર્ગો), ડો. કૌશિક શાહ, ગિરીશ છેડા, મણિલાલ
ગાલા, દિનેશ મોરખિયા, મુકેશ શેઠિયા,
જયંતી શેઠિયા, તુષાર વોરા, હિરેન સાવલા, કરણ મહેતા, ભરતભાઈ ગોગરી, પરિન
ગાલા, સંજય મહેતા, માવજીભાઈ શાહ,
ચંદ્રકાંત સૈયા, દીપક ગાલા, હિમાંશુ રાંભિયા, પ્રવીણ ગાલા, કૌશલ મહેતા, શીતલ શાહ વિ. હાજર રહ્યા હતા. સંચાલન
ધીરજભાઈ છેડા `એકલવીર' અને આભારવિધિ જયંતીભાઈ
મામણિયાએ કરી હતી.
મુંબઈથી શ્રેષ્ઠીઓની શુભેચ્છા
સમસ્ત મુંદરા જૈન સમાજનાં નવતર
આયોજનને બિરદાવતાં શુભેચ્છા સંદેશ મળ્યા હતા. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી
અને જૈન શ્રેષ્ઠી હાર્દિકભાઈ મામણિયા,
ટ્રસ્ટીઓ સંજયભાઈ દામજીભાઈ એન્કરવાલા અને અતુલભાઇ દામજીભાઈ
એન્કરવાલાએ આ ઐતિહાસિક આયોજનને બિરદાવીને પોતે સંજોગોવસાત ઉપસ્થિત ન રહી શક્યાનું
જણાવતાં સહયોગની લાગણી વ્યક્ત કરી હતી.