• બુધવાર, 08 એપ્રિલ, 2026

2000ની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોને ગુપ્તવાસમાં રખાયા હતા

ભુજ, તા. 6 : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો શંખનાદ વાગી ગયો છે. ફોર્મ ભરવાનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં સર્જાતી તડજોડ અને ખેંચતાણનાં કારણે રાજકીય પારો સતત ગરમ જ રહેતો હોય છે. ભૂતકાળમાં ડોકિયું કરીએ તો 2000ની ચૂંટણી વખતે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને મુખ્ય રાજકીય પક્ષોને પોતાના ચૂંટાયેલા ઉમેદવારોને ગુપ્તવાસમાં રાખવાની ફરજ પડી હતી. દરેક વખતની ચૂંટણી બન્ને મુખ્ય રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ સમાન જ સાબિત થતી હોય છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આપે પણ ચૂંટણી જંગમાં ઝુકાવતાં ત્રિપાંખિયો જંગ જામશે એ નિશ્ચિત થયું છે.

ચૂંટાયા બાદ પણ ખેંચતાણ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગમાં ઉમેદવારોની પસંદગીથી લઈ તેઓ ચૂંટાયા બાદ પણ વાડ ઠેંકીને અન્ય પક્ષમાં ન જાય એ માટે રાજકીય પક્ષોને સતત સચેત રહેવું પડે છે. પસંદગીથી લઈ ચૂંટાયા બાદનો જે સમયગાળો હોય છે એમાં ભારે ખેંચાણ થતી જોવા મળતો હોય છે. ઉમેદવારોની પસંદગી બાદ નારાજગીનો સૂર ઊઠવો એ સ્વાભાવિક પ્રક્રિયાનો એક ભાગ બની ગયું છે.

સાચવવાની મથામણ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં રાજકીય માહોલ સતત ગરમ રહેતો હોય છે, ત્યારે બન્ને મુખ્ય રાજકીય પક્ષોને માટે તેમના ચૂંટાયેલા સભ્યોને સાચવવા માટે દર વખતે મથામણ કરવી પડતી હોય છે. જો પરિણામ એકદમ પાતળી સરસાઈવાળું આવે તો તડજોડ તેની પરાકાષ્ઠાએ પહોંચતી હોય છે.

શામ, દામ, દંડ, ભેદનો ખેલ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના જંગમાં દર વખતે શામ, દામ, દંડ, ભેદનો ખેલ પરાકાષ્ઠાએ પહોંચતો હોય છે. 2000ની સાલમાં સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં રાપર અને મુંદરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને નખત્રાણા તાલુકા પંચાયતમાં ભાજપના વિજેતા બનેલા સભ્યોને અજ્ઞાતવાસમાં રાખવા પડયા હતા. 2021ની ચૂંટણીમાં અબડાસા અને લખપતમાં કોંગ્રેસે પાતળી બહુમતીથી સરસાઈ મેળવી હોવા છતાં અમુક ચૂંટાયેલા સભ્યોએ પક્ષપલટો કરી કમળનો હાથ પકડતાં કોંગ્રેસના હાથમાં આવેલો સત્તાનો કોળિયો છીનવાઈ જવા સાથે ભાજપે તાલુકા પંચાયતની શાસનધૂરા સંભાળી લીધી હતી.

ઉમેદવારોનાં નામોની જાહેરાત છેલ્લી ઘડીએ

ભુજ, તા. 6 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે તડજોડ થાય છે અને બહુમતી માટે ક્યાંક બેઠકો કસોકસ આવતી હોવાથી  ઉમેદવારોનાં નામોની જાહેરાત છેલ્લી ઘડીએ થાય છે. છેલ્લા 20-25 વર્ષથી જિલ્લા - તાલુકા પંચાયતમાં રચાતા ખેલાનાં કારણે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સાવ છેલ્લી ઘડીએ કરીને ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં નામોની ઘોષણા થતી હોય છે. અત્યારે પણ આ જ સ્થિતિ મુખ્ય બંને રાજકીય પક્ષ ભાજપ, કોંગ્રેસને સતાવતી હોવાથી નામો કયારે જાહેર થાય છે તેના પર મીટ મંડાઇ છે.

Panchang

dd