• બુધવાર, 08 એપ્રિલ, 2026

કચ્છમાં પ્રથમ દિવસે એકેય ઉમેદવારીપત્ર ભરાયું નહીં : 554 ફોર્મનો ઉપાડ

ભુજ, તા. 6 : જાહેરનામાંની પ્રસિદ્ધિ સાથે જ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગનો શંખનાદ ફૂંકાઇ ગયો છે. આજથી ઉમેદવારી ફોર્મ ભરવાના વિધિવત મંડાણ તો થઇ ચૂક્યાં છે પણ પ્રથમ દિવસે જિલ્લામાં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. 554 જેટલાં ફોર્મનો પહેલા દિવસે ઉપાડ થતાં અંતિમ દિવસોમાં ઉમેદવારીપત્રક ભરવા માટે ધસારો થાય તેવું માનવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર તરફથી અપાયેલા સત્તાવાર આંકડા અનુસાર મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મનો સર્વાધિક ઉપાડ થયો છે. કચ્છમાં મ.ન.પા., ન.પા., જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 448 બેઠક માટે 26મી એપ્રિલે મતદાન હાથ ધરાવાનું છે. આ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જિલ્લા તંત્ર પાસેથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર ગાંધીધામ મહાનગરપાલિકા માટે 208, પાંચ નગરપાલિકા પૈકી ભુજમાં 33, અંજારમાં 44, માંડવીમાં 80, મુંદરા-બારોઇમાં 61 અને નખત્રાણામાં 06 મળી 224, જિ. પંચાયત માટે 35 તો 9 તાલુકા પંચાયત પૈકી ભુજમાં 9, માંડવીમાં 4, મુંદરામાં બે, અબડાસાના 5, નખત્રાણામાં 11, અંજારમાં 29, ભચાઉમાં 01 અને રાપરમાં 26 મળી 87 ફોર્મનો ઉપાડ થયો છે. લખપત તાલુકા પંચાયત માટે એક પણ ફોર્મ ઊપડયું નથી. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોનાં નામો હજુ ફાઇનલ થવાનાં બાકી છે. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોનાં નામ જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ફોર્મ ભરવા માટે ભારે ધસારો જોવા મળશે.

Panchang

dd