• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

યુવાનોને ખેતીના સંદેશ સાથે કૃષિમેળો સંપન્ન

અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 6 : આપણાં કચ્છના કિસાન પરિવારોના યુવાનો ખેતી ભણે, ખેતી કરે... નવી નવી ટેક્નોલોજી પહેલાં તો જાણે, પછી સમજે પછી અપનાવીને આગળ વધે... તેમાં પણ પ્રકૃતિના ખોળે ખેતી કરે, ત્યારે જ ખરેખરા અર્થમાં હરિયાળી ક્રાંતિ આવશે, તેવા સંદેશ સાથે આ વખતે પ્રયોગધર્મીટેક્નોક્રેટ, યુવા કિસાનોને, મહિલા કિસાનોને સમર્પિત 15મા હાઇટેક કૃષિ મેળાનું સોમવારે સમાપન કરાયું હતું. નર્મી અને કચ્છમિત્ર દ્વારા મુખ્ય પ્રાયોજકો એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી ફાઉન્ડેશન, અદાણી પેટ્રોકેમિકલ્સના સહયોગથી યોજિત કૃષિ મેળામાં પાણી સુધારતી, જમીન ચકાસણી કરતી વિવિધ સિસ્ટમ, ટેક્નોલોજી, એગ્રો મશીનરીએ કચ્છભરમાંથી ઊમટેલા કિસાનોમાં ભારોભાર આકર્ષણ જમાવ્યું હતું. સોઇલ ટેસ્ટિંગ કિટથી માંડીને ડ્રોન, સ્પ્ર્રે પમ્પ જેવાં સાધનો માટે જાતે બેટરી બનાવનારા ટેક્નોક્રેટ જેન-ઝીએ કૃષિ મેળામાં પોતાના `ટેક્નોક્રેટ' સાધનોનું જીવંત નિદર્શન કરીને યુવાનોને ખેતી નહીં છોડવાનો સંદેશ આપ્યો હતો.

યુવા દંપતીની બેટરી

હાઇટેક કૃષિ મેળાનાં વખાણ સાંભળ્યાં હોવાથી અમદાવાદથી કચ્છ આવેલા કૃષિ મેળાના સહભાગી ઋષિતા અને યશ રામાણી સાથે મળીને અવનવી બેટરીઓનું જાતે ઉત્પાદન અને કારોબાર કરે છે. `અલ્ટર એનર્જી' કંપની સ્થાપક યશે કહ્યું હતું કે, અમે ડ્રોન, સ્પ્રે પમ્પ, ઝટકા મશીન, સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઇટ, દિવ્યાંગોની ટ્રાઈસિકલ, ઇન્વર્ટર, યુપીએસ તેમજ રમકડાંઓ માટે બેટરીઓ બનાવીએ છીએ.

કંડિશનરની કમાલ

આપણા રણપ્રદેશમાં આમેય પાણીનો પ્રશ્ન અલગ-અલગ સ્વરૂપે રહ્યો છે, ત્યારે ખારાશવાળાં, કાયાવાળાં કે કડવાં પાણીને સિંચાઇલાયક બનાવતાં વોટર કંડિશનરે કિસાનોમાં આકર્ષણ જમાવ્યું હતું. અમદાવાદથી `જલદૂત' વોટર કંડિશનર કૃષિ મેળામાં લાવેલા યુવા ટેક્નોક્રેટ જયદીપ પટેલે કહ્યું હતું કે, સાત હજાર ટીડીએસ સુધીનાં પાણીને આ કંડિશનર સુધારે છે. આમ તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ અલગથી તો જમીન અને પાક માટે પોષકતત્ત્વો છે, પરંતુ બન્ને ભેગાં થઇ જાય તો જમીન, પાકને નુકસાન કરતો ક્ષાર બની જાય છે. આ બેય તત્ત્વને અલગ કરી દેવાની કવાયત `જલદૂત' વોટર કંડિશનર કરે છે.

ઈલેક્ટ્રોકેમિકલ ટેક્નોલોજી

હાઈટેક કૃષિ મેળામાં એગ્રિઓન ફાર્મટેક લિમિટેડનાં `સોઈલ એક્સપર્ટ' ઉપકરણે પણ કિસાન સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. ઈલેક્ટ્રોકેમિકલ ટેક્નોલોજીથી સજ્જ આ ડિવાઈસ મોબાઈલ પર જ જમીનની ફળદ્રુપતાના પ્રમાણની માહિતી ખેડૂતને આપી દે છે. યોગ્ય સમયે જમીનનો રિપોર્ટ ખાતરની ભલામણ સાથે મળી જાય છે. આ જમીન ચકાસણી કરતું ડિવાઈસ પોટાશ, નાઈટ્રોજન, ફોસ્ફરસ, પીએચ, ઈલેક્ટ્રિકલ કંડક્ટિવિટી, ઓર્ગેનિક કાર્બન જેવાં મુખ્ય તત્ત્વોની ચકાસણી 40 મિનિટમાં કરી આપે છે.

ખાતરોમાં ઈઝરાયલની ટેક્નોલોજી

કૃષિ મેળામાં જોવા મળેલા ગ્રીન ઈન્ડિયા ઓર્ગેનિક ફર્ટિલાઈઝરના સ્ટોલમાં 21 પોષકતત્ત્વ સમાવતાં ખાતરમાં ઈઝરાયલની ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હોવાનું જાણીને ખેડૂતો અચરજ પામ્યા હતા. કચ્છ-સૌરાષ્ટ્રની પ્રથમ ખાનગી ટિસ્યૂકલ્ચર લેબ ધરાવતા સર્જન બાયોટેક પ્રા. લિ.ના સ્ટોલ પર ટિસ્યૂકલ્ચર કેળાના રોપા પણ કિસાનોને ગમી ગયા હતા. અવનવાં ટ્રેકટર્સ, મહાકાય થ્રેસર્સ, અલગ - અલગ ઓટોમેશન ટેક્નોલોજીએ કૃષિ મેળાની શોભા વધારી હતી.

પન્નુ મારાજે ખેડૂતોને હસાવ્યા

કચ્છીઓમાં ઘરોઘર લોકપ્રિય એવા `પન્નુડા'નાં હુલામણાં નામથી જાણીતા પન્નુ મારાજ (વસંત મારાજ)એ કૃષિ મેળા દરમયાન મુલાકાતી ખેડૂતોને અવનવા, નિર્દોષ ટૂચકા કરી, સરળ શૈલીમાં રમૂજી અને તત્ત્વચિંતનથી ભરપૂર વાતો કરીને હસાવ્યા હતા. `નર્મી'ના અધ્યક્ષ પ્રશાંત પટેલે `કૃષિપોષક' કૃષિ મેળાનાં આયોજનનું બળ પૂરું પાડનારા મુખ્ય પ્રાયોજક એગ્રોસેલ, અદાણી ફાઉન્ડેશન, અદાણી પેટ્રોકેમિકલ્સનો આભાર માન્યો હતો. `નર્મી'ના પ્રતીક્ષાબેન પટેલ, ભવ્ય પટેલ, ભાગ્ય પટેલ, વનરાજ કુવાડિયા, અનુપ માવાણી, ગુંજન માવાણી, જેનીસ વાસાણી, મોહિત ધોળુ, ખુશી ધોળુ, વેદ ધોળુ, કાંતિલાલ વેલાણી, હર્ષ ઠક્કર, ભરત પોકાર, ભાવેશ વાસાણી, પ્રભુલાલ વાસાણી સહિત કાર્યકરોએ આયોજન સંભાળ્યું હતું.

Panchang

dd