અંજાર, તા. 21 : વૃંદાવનના ફોગલા આશ્રમ ખાતે આયોજિત શ્રીમદ્ વ્રજપ્રભા ગ્રંથ પારાયણમાં ગ્રંથના દિવ્ય પ્રકાશ અને તેની રચના પાછળના
પ્રસંગો વર્ણવાયા હતા. પારાયણના બીજા દિવસે
પણ મોટી સંખ્યામાં ઊમટેલા શ્રદ્ધાળુઓએ જ્ઞાન અને ભક્તિના સાગરમાં હિલોળા લીધા હતા.
- કથાકાર અને સંતોનું પૂજન : મનોરથી વાસણભાઇ વિશાભાઇ રણમલ માતા પરિવાર
દ્વારા આયોજિત શ્રીમદ્ શ્રી વ્રજપ્રભા ગ્રંથ પારાયણ કથાના બીજા દિવસના પ્રારંભે મનોરથી
રસિક વાસણભાઈ વિસાભાઈ માતા પરિવાર દ્વારા શાત્રોક્ત વિધિ મુજબ પોથીપૂજન, અર્ચન અને ગુરુપૂજન કરવામાં આવ્યા હતા. વ્યાસપીઠ
પર કથાકાર ત્રિકમદાસજી મહારાજ અને સાધુ ભગવાનદાસજી
મહારાજનું ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું, ત્યારે ભજન,
કીર્તન, છંદો અને ગોપીગીતોની રમઝટ વચ્ચે વાતાવરણ
ભક્તિમય બન્યું હતું. રસિકજનોને દ્વિતીય દિવસની કથાનું રસપાન કરાવતા ત્રિકમદાસજી મહારાજે
જણાવ્યું કે, વિ. સંવત 1855માં વસંતપંચમીના શુભ દિને બ્રહ્મમુહૂર્તમાં
સદ્ગુરુ સુંદર સાહેબ મહારાજનું પ્રાગટય થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, સુંદર સાહેબ સાક્ષાત લલિતા સખીનું સ્વરૂપ હતા
અને પરમધામમાંથી પધારેલા અથાગ બુદ્ધિના સ્વામી હતા. કથામાં સુંદર સાહેબના પરમમિત્ર
પૂંજાભગત અને તેમની બાળપણની ભગવત ચર્ચાઓનો પણ સવિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અંજાર
મધ્યે જેસલ-તોરલની સમાધિ નજીક આવેલી વીર સાહેબના ગુરુ ધર્મદાસજી મહારાજની દેરી સાથે
જોડાયેલા પ્રસંગ વર્ણવતાં કહ્યું કે, સુંદર સાહેબનો ત્યાં જળ
અર્પણ કરવાનો અવિરત નિયમ હતો. વૈશાખ સુદ પાંચમના આ દેરી મધ્યે તેમને રસાત્મિક સદ્ગુરુના
દિવ્ય પ્રકાશના અલૌકિક દર્શન થયા હતા. આ દિવ્ય મિલનથી અંજારની ભૂમિ પરમ પવિત્ર બની
છે. રસાત્મિક ગુરુની અમૃતવાણી સાંભળી સુંદર સાહેબ ભાવવિભોર બન્યા હતા અને દિવ્ય જ્ઞાનનો
પ્રસાદ પ્રાપ્ત કર્યો હોવાનું કહ્યું હતું. - સામાજિક અને આધ્યાત્મિક માર્ગદર્શન : વ્યાસપીઠ પરથી મહારાજે વર્તમાન સમયને અનુરૂપ
પ્રેરક સૂચનો કર્યાં હતાં, જેમાં શાત્રોમાં
વર્ણવ્યા મુજબ ગર્ભધારણ સમયે પરમબ્રહ્મ અને સદશાત્રોનું વાંચન કરવાનું જણાવેલું હતું.
જીવનના કષ્ટોમાં પરમબ્રહ્મમાં સાચી નિષ્ઠા જ ઉત્તમ માર્ગ છે. લોભ, લાલચ કે ભય વગર પ્રભુસ્મરણના નિયમોને વળગી રહેવા અનુરોધ કર્યો હતો. વકતાએ કહ્યું
હતું કે, રૂપ, ધન, સત્તા કે બળનું અભિમાન વિનાશકારી છે. અભિમાન માત્ર સેવા અને ભક્તિનું જ હોવું
જોઈએ તેમજ વર્તમાન સમયમાં સમાજોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓને જાકારો
આપી બાળકોના હૃદય જેવી નિર્મળતા કેળવવા જણાવ્યું હતું. કચ્છમાંથી વિશાળ સંખ્યામાં પધારેલા રસિકજનો/ભાવિકોનો
ઉત્સાહ જોઈ ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે, `વૃંદાવન આજે જાણે કચ્છમયી બન્યું હોય તેવો
ભાસ થાય છે.' મનોરથી માતા પરિવાર દ્વારા
કરાયેલી શિસ્તબદ્ધ અને ઉત્તમ વ્યવસ્થાઓને મહારાજે બિરદાવી હતી. - બીજા દિવસની કથા અંતિમ ચરણમાં : રાધા વલ્લભ મંદિરના સેવાયક ચંદનલાલજી મહારાજ, સંત યોગેન્દ્ર મહારાજ પાઠક તેમજ જમનાદાસજી મહારાજનું
ત્રિકમદાસજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કથાના વિરામ સમયે ત્રિકમદાસજી મહારાજ
અને ભગવાનદાસજી મહારાજની આગવી શૈલીમાં સંગીતમય ભજન-કીર્તન, ગોપીગીતની
રમઝટ બોલાવવાં આવી હતી, જેમાં રસિકજનો રાસના તાલે ઝૂમી ઊઠયા હતા.
કથાના વિરામ બાદ ગોપી- સખીઓ દ્વારા સેવા-પૂજા કરવામાં આવી હતી.