ગઢશીશા (તા. માંડવી), તા. 9 : હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષા દરમ્યાન સોમવારે અહીંની
પૂંજાણી હાઈસ્કૂલમાં અનોખો કિસ્સો જોવા મળ્યો હતો, જેમાં ધોરણ 10નાં સ્ટાન્ડર્ડ ગણિતનાં પેપરમાં એક જ ઉમેદવારે પરીક્ષા
આપી હતી. ગઢશીશા કેન્દ્રમાં ઇંગ્લિશ માધ્યમમાં અભ્યાસ કરતી એકમાત્ર છાત્રા વેદશ્રુતિ
વિનેશગિરિ ગોસ્વામીએ પૂંજાણી હાઈસ્કૂલ બિલ્ડિંગ-1માં સ્ટાન્ડર્ડ
ગણિતની પરીક્ષા આપી હતી, જે ખરેખર ઐતિહાસિક બાબત ગણાવી શકાય.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, ગઢશીશા
કેન્દ્રમાં આજની પરીક્ષા માટે એક જ ઉમેદવાર અને તે પણ વિદ્યાર્થિની હોવાથી તેનાં હિતમાં ખાસ કિસ્સામાં
આ નિર્ણય લેવાયો હતો. આવા કિસ્સા જૂજ જોવા મળે છે, જેના માટે
તંત્ર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, તેવું સ્થળ
સંચાલક પુનિતાબેન રાવલે જણાવ્યું હતું. આજની ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા માટે બ્લોકમાં
એક વિદ્યાર્થી, એક સુપરવાઇઝર અને અન્ય કાર્યકર હાજર રહ્યા હતા.
નિયમ મુજબ પરીક્ષા યથાવત રહી તે બદલ છાત્રા તથા શાળા પરિવારજનો તંત્રનો આભાર માન્યો
હતો.