• મંગળવાર, 03 માર્ચ, 2026

અંજાર સુધરાઈના ઉપક્રમે આયોજિત 10 દિવસીય સ્વદેશી મેળાનો આજથી આરંભ

અંજાર, તા. 2 : રાજ્ય સરકારના સહકારથી અંજાર નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે શહેરના ટાઉનહોલ ખાતે આજથી 10 દિવસ સુધી ચાલનારા સ્વદેશી મેળાનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનાં માર્ગદર્શન તળે આયોજિત આ કાર્યક્રમને સુધરાઈ પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ ખુલ્લો મૂકીને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર વોકલ ફોર લોકલને સાર્થક કરવા અને સ્થાનિક ઉત્પાદન અને વેપારીઓને મજબૂત બનાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી તા. 11/3  સુધી ચાલનારા આ મેળાનો લાભ લેવા તેમણે નાગરિકોને અપીલ કરી હતી. ઉદઘાટન પ્રસંગે  શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, મહામંત્રી ક્રિપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠિયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ પંડયા, દંડક કલ્પનાબેન ગોર તથા નગરસેવકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં કુલ 56 સ્ટોલમાં રેઝીન આર્ટ ચીજવસ્તુઓ, ગોબર અગરબત્તી, ધૂપ, હોમ મેડ લિક્વિડ, હર્બલ શેમ્પૂ-સાબૂ, દેશી અત્તર, ઘી, અથાણા, પાપડ, અજરખ, સાડી, કુર્તિ સહિતની ચીજવસ્તુઓ મળશે. સંચાલન શાસકપક્ષના નેતા નીલેશગિરિ ગોસ્વામી અને આભારવિધિ કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયાએ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પાલિકાના મુખ્ય અધિકારી તુષાર ઝાલરિયાના માર્ગદર્શન તળે સ્ટાફગણે સહકાર આપ્યો હતો.

Panchang

dd